
જૂનાગઢ,10 જૂન (હિ.સ.) ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓના કલ્યાણ અને તેમને વધુ સારી આવાસીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે જૂનાગઢ રેલવે પરિસરમાં રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા નિર્મિત 18 ટાઈપ-II રેલવે ક્વાર્ટર્સનું બાંધકામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. તમામ ક્વાર્ટર્સ હવે ઉપયોગ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢ રેલવે પરિસરમાં પ્રસ્તાવિત હોટેલ નિર્માણ પ્રોજેક્ટ માટે કરવામાં આવેલા સમજૂતી કરાર (MOU) હેઠળ રેલવે આવાસોના સ્થાને આ ક્વાર્ટર્સનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિવિધ કારણોસર વર્ષ 2021થી આ કાર્ય બાકી રહ્યું હતું. ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ સતત સંકલન અને નિયમિત અનુસરણના પરિણામે બાંધકામ કાર્યને ગતિ મળી અને અંતે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.
નવનિર્મિત 18 ટાઈપ-II ક્વાર્ટર્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમના ઉપયોગમાં આવવાથી રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સુરક્ષિત, સુવિધાજનક અને વધુ ઉત્તમ આવાસીય વાતાવરણ પ્રાપ્ત થશે. સાથે જ કર્મચારીઓના જીવનસ્તરમાં સુધારો, કાર્યસંતોષમાં વૃદ્ધિ તેમજ કાર્યક્ષમતા અને મનોબળને વધુ મજબૂત બનાવવામાં પણ મદદ મળશે.
પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ કર્મચારીઓના કલ્યાણ અને મૂળભૂત સુવિધાઓના વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. કર્મચારીઓ માટે ગુણવત્તાયુક્ત આવાસીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી મંડળની મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ છે. જૂનાગઢમાં આ આવાસીય પ્રોજેક્ટનું પૂર્ણ થવું આ પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે, જેના દ્વારા કર્મચારીઓ અને તેમના પરિવારજનોને લાંબા ગાળાનો લાભ મળશે.
ભાવનગર મંડળ દ્વારા ભવિષ્યમાં પણ કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને આવાસીય તેમજ અન્ય કલ્યાણકારી સુવિધાઓના વિકાસ માટે સતત પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ