
કચ્છ, 10 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન કાયદાના અસરકારક અમલ માટે પોલીસ દ્વારા સતત હાથ ધરવામાં આવતી કામગીરીના ભાગરૂપે અંજાર પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો સંગ્રહ કરી વેચાણ માટે તૈયાર રાખવામાં આવેલા જથ્થાને ઝડપી પાડી પોલીસે દારૂના કાળા કારોબાર સામે કડક સંદેશ આપ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.એ. જાડેજાની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસને મળેલી ગુપ્ત માહિતી મુજબ અંજારના વિજયનગર વિસ્તારમાં સરકારી હોસ્પિટલ પાછળ આવેલા રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. મળેલી માહિતીની ખાતરી કર્યા બાદ પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેને કબજે કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
દરોડા દરમિયાન 8 PM વ્હિસ્કીની 240 બોટલો, ગ્રીન લેબલ વ્હિસ્કીની 144 બોટલો તેમજ વિન્ડેજ જામુન વોડકાની 288 બોટલો મળી આવી હતી. કુલ મળીને આશરે રૂ. 84 હજારની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સાગર મહેશ્વરી અને કિશન મહેશ્વરી નામના શખ્સોની સંડોવણી સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. બંને આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ઉપરાંત તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અંજાર પોલીસની આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.જી. વાળા તથા સમગ્ર પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર અને હેરફેર સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી યથાવત્ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar