

કચ્છ, 10 જૂન (હિ.સ.) : સમાજના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને રોજિંદા જીવનમાં આવતી નાની પરંતુ મહત્વપૂર્ણ મુશ્કેલીઓ દૂર કરવાનો અનોખો પ્રયાસ ભુજમાં જોવા મળ્યો હતો. રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી કાર્યરત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કબાટ અર્પણ કરીને માનવસેવાનું એક વધુ ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ઘણા પરિવારો એવા હોય છે કે જેઓ મર્યાદિત આવાસમાં જીવન પસાર કરે છે અને પોતાની જરૂરી વસ્તુઓ, કપડાં, બાળકોના શૈક્ષણિક પુસ્તકો, મહત્વના દસ્તાવેજો તેમજ અન્ય કિંમતી સામાનને સુરક્ષિત રીતે સાચવવા માટે યોગ્ય વ્યવસ્થા ધરાવતા નથી. પરિણામે ઘણી વખત આ વસ્તુઓ નુકસાન પામે છે અથવા વ્યવસ્થિત રીતે જાળવી શકાતી નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા માનવ કલ્યાણના ભાવ સાથે કબાટ વિતરણનો પ્રકલ્પ અમલમાં મૂકવામાં આવ્યો છે.
ભુજ-માધાપર હાઇવે સ્થિત વીબીસી જૈન નૂતન સેવા સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભુજ તથા આસપાસના વિસ્તારોમાં રહેતા આશરે 20 જરૂરિયાતમંદ પરિવારોને કબાટ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સેવા કાર્યને સાકાર બનાવવા માટે સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ સાથે સંકળાયેલા શ્રી મનુભાઈ શાહ અને રીકાબેન શાહ (યુએસએ)નો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. તેમના સહકારથી આ પ્રકલ્પ માત્ર કચ્છ પૂરતો મર્યાદિત ન રહી દેશના વિવિધ શહેરો અને વિસ્તારો સુધી વિસ્તર્યો છે.
અર્હમ ગ્રુપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં મુંબઈના અંધેરી, મીરારોડ, કાંદિવલી, દહિસર અને કોપરખેરાણ સહિત રાયપુર, આકોલા, મોરબી, ભાવનગર, અમદાવાદ, જેતપુર અને અમરેલી જેવા અનેક શહેરોમાં કુલ 1500થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને કબાટ અર્પણ કરવામાં આવ્યા છે. આ પ્રકલ્પ દ્વારા હજારો પરિવારોને ઘરગથ્થુ સામાનને સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે સાચવવાની સુવિધા મળી રહી છે.
સમાજમાં સેવા, સહાનુભૂતિ અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવતા આવા પ્રયાસો અનેક પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. અર્હમ યુવા સેવા ગ્રુપે આ અવસરે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના માર્ગદર્શન અને પ્રેરણા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તેમજ આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાઓ અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar