
કચ્છ, 10 જૂન (હિ.સ.) : સાયબર ગુનાઓ સામે રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છના ગાંધીધામમાં સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન બેન્ક ખાતાઓ ભાડે આપવાના ગેરકાયદેસર રેકેટનો ભાંડો ફોડવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓને ઝડપી પાડી સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે.
ગુજરાત સરકાર દ્વારા સાયબર ફ્રોડ અને ઓનલાઈન નાણાકીય ગુનાઓમાં ઉપયોગ થતાં બેન્ક ખાતાઓના નેટવર્કને નાબૂદ કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસને મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે કેટલાક શખ્સો ગરીબ, મજૂર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પૈસાની લાલચ આપી તેમના દસ્તાવેજો એકત્ર કરતા હતા. ત્યારબાદ તેમના નામે વિવિધ બેન્કોમાં બચત તેમજ કરંટ ખાતાઓ ખોલાવી આ ખાતાઓ સાયબર ગુનેગારોને ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ નેટવર્ક દ્વારા કુલ 105 જેટલા બેન્ક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ખાતાઓમાં અંદાજે 43.93 કરોડ રૂપિયાથી વધુની રકમના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓના મતે આ રકમનો સંબંધ વિવિધ પ્રકારના ઓનલાઈન સાયબર ફ્રોડ અને ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિઓ સાથે હોઈ શકે છે.
આ ખાતાઓ સામે દેશભરના અનેક રાજ્યોમાંથી નોંધાયેલી ફરિયાદો પણ જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડી, પાર્ટ-ટાઈમ નોકરી આપવાના બહાને ઠગાઈ, ફેક એપ્લિકેશન, OLX ફ્રોડ, વોટ્સએપ મારફતે મોબાઇલ હેકિંગ, ફેક વેબસાઇટ્સ તેમજ અન્ય અનેક પ્રકારના સાયબર ગુનાઓમાંથી મેળવાયેલા નાણાં આ ખાતાઓમાં જમા કરાવવામાં આવતા હોવાનું તપાસમાં જણાયું છે.
સત્તાવાર માહિતી મુજબ ભારત સરકારના સમન્વય પોર્ટલ પર આ ખાતાઓ સાથે સંકળાયેલી આશરે 90 જેટલી ફરિયાદો નોંધાઈ છે. કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિતના વિવિધ રાજ્યોમાંથી થયેલા સાયબર ગુનાઓના નાણાં આ નેટવર્ક મારફતે વહેતા હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ દ્વારા બેન્ક ખાતા ખોલ્યા બાદ મળતી કીટ, ડેબિટ કાર્ડ, ઈ-મેલ આઈડી અને પાસવર્ડ જેવી મહત્વની વિગતો કુરિયર તથા સોશિયલ મીડિયા માધ્યમથી વિદેશ સુધી પહોંચાડવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં કેટલાક ડિજિટલ પુરાવા શ્રીલંકા સુધી પહોંચતા હોવાની માહિતી પણ સામે આવી છે.
સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા અને માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના સાત મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હજુ પણ અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ છે અને નેટવર્કના આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય જોડાણોની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિએ પોતાના બેન્ક ખાતા, ATM કાર્ડ, સિમ કાર્ડ, નેટબેન્કિંગ યુઝર આઈડી કે પાસવર્ડ કોઈને પણ પૈસાની લાલચમાં કે ઓળખાણના આધારે સોંપવા નહીં. આવા કૃત્યો સાયબર ગુનાઓને પ્રોત્સાહન આપે છે અને કાયદેસર રીતે દંડનીય ગુનો બને છે. જો કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં આવા ખાતાઓ ભાડે આપ્યા હોય અથવા આવી પ્રવૃત્તિની જાણ હોય તો તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar