

કચ્છ, 10 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં વન સંપત્તિના સંરક્ષણ માટે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નખત્રાણા તાલુકાના નિરોણા અનામત જંગલ વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર ખેતી આધારિત દબાણને દૂર કરવા માટે વન વિભાગે સઘન અભિયાન હાથ ધર્યું છે. આ કામગીરી હેઠળ અંદાજે 300 હેક્ટર જેટલી વનજમીનને દબાણમુક્ત બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
નિરોણા ગામ નજીક આવેલ અનામત જંગલ વિસ્તાર રાજ્ય સરકાર દ્વારા વર્ષો પહેલાં સત્તાવાર રીતે જંગલ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં છેલ્લા લગભગ ત્રણ દાયકાથી કેટલાક સ્થાનિક લોકો અને આસપાસના ગામોના ખેડૂતો દ્વારા આ જમીન પર બિનઅધિકૃત રીતે ખેતી કરવામાં આવતી હતી. વન વિભાગે લાંબા સમયથી ચાલતા આ દબાણને દૂર કરવા માટે વિશેષ આયોજન સાથે કાર્યવાહી હાથ ધરી છે.
વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલ અને નાયબ વન સંરક્ષક એચ. જે. ઠક્કરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશમાં કચ્છ પશ્ચિમ વન વિભાગના વિવિધ રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા છે. કામગીરીને સફળ બનાવવા માટે પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રનો પણ સક્રિય સહયોગ મળ્યો છે. દબાણ દૂર કરવા માટે મોટી સંખ્યામાં જીસીબી મશીનો, ટ્રેક્ટરો તેમજ સંયુક્ત સ્ટાફની મદદ લેવામાં આવી રહી છે.
અભિયાનના પ્રથમ જ દિવસે નોંધપાત્ર સફળતા મળી હતી. અંદાજે 180 હેક્ટર જેટલી જમીનમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. બાકીના વિસ્તારમાં પણ ઝડપી ગતિએ કાર્યવાહી હાથ ધરીને સમગ્ર વિસ્તારને દબાણમુક્ત બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ દબાણ દૂર થયા બાદ આ વિસ્તારમાં વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે, જેના પરિણામે આગામી વર્ષોમાં હરિયાળી અને જૈવ વૈવિધ્યમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
નિરોણા ઉપરાંત કચ્છ પશ્ચિમ વન વિભાગે અન્ય વિસ્તારોમાં પણ દબાણ દૂર કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. નખત્રાણા વિસ્તારના સાંયરા ગામ નજીક આવેલી વનજમીન પર થયેલા ગેરકાયદેસર ખેતી આધારિત દબાણને દૂર કરવામાં સફળતા મળી છે. તેમજ દયાપર વિસ્તારના શિણાપર અનામત જંગલમાં પણ વિશાળ વિસ્તારમાં થયેલા દબાણ સામે કાર્યવાહી કરીને વનજમીનને મુક્ત કરાવવામાં આવી છે.
વન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે અનામત જંગલની જમીન પર કોઈપણ પ્રકારનું બિનઅધિકૃત દબાણ સહન કરવામાં આવશે નહીં. જંગલ વિસ્તારને સુરક્ષિત રાખવા અને કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે વિભાગ સતત સતર્ક છે. અધિકારીઓએ લોકોને વનજમીન પર ગેરકાયદેસર કબજો ન કરવા અપીલ કરતાં જણાવ્યું છે કે નિયમોના ભંગ કરનારાઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
કચ્છમાં ચાલી રહેલી આ ઝુંબેશને વન સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. દબાણમુક્ત થયેલી જમીન પર ભવિષ્યમાં થનારા વૃક્ષારોપણથી પર્યાવરણ સંરક્ષણને નવી દિશા મળશે અને વન વિસ્તારના વિકાસમાં પણ મહત્વનો ફાળો મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar