
મહેસાણા, 10 જૂન (હિ.સ.)વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા દિવસના રૂટનું પ્રસ્થાન આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવ્યું હતું. લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સી. જે. ચાવડા, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
યાત્રા મહેસાણાથી વડનગર પહોંચી હતી, જ્યાં યાત્રાળુઓએ પ્રેરણા સ્કૂલ, ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર, અત્યાધુનિક મ્યુઝિયમ તેમજ વડનગરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. વડનગરના મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલા ઐતિહાસિક અવશેષો, સાંસ્કૃતિક ધરોહર અને પ્રાચીન વારસાને મુલાકાતીઓએ નજીકથી નિહાળ્યા હતા. મ્યુઝિયમમાં રજૂ કરાયેલી માહિતી અને પ્રદર્શનો લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પ્રગતિ પથ યાત્રાનો મુખ્ય હેતુ છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને સરકારની વિવિધ સિદ્ધિઓ અંગે લોકોને માહિતગાર કરવાનો છે. યાત્રા દ્વારા વિકાસના કાર્યોને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રસ્થાન કાર્યક્રમ દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગવતીબા રાઠોડ સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR