
મહેસાણા, 10 જૂન (હિ.સ.)મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારના ‘સ્વચ્છ ગુજરાત – પ્લાસ્ટિક મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે યોજાયેલા આ અભિયાનમાં જનજાગૃતિ સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
અભિયાન દરમિયાન શહેરના જાહેર સ્થળો, માર્ગો તેમજ અન્ય વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. સાથે જ એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણ સંરક્ષણ માટે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મહેસાણા શહેરના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, કોર્પોરેટરશ્રીઓ તથા કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લઈ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં પણ આવા જનહિતલક્ષી અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજીને નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR