
નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.)। ભારતના પ્રધાનમંત્રી પદ પર સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાઈ આવેલા પ્રધાનમંત્રી બનવાનો રેકોર્ડ સ્થાપિત કરનાર નરેન્દ્ર મોદીને, વિશ્વભરના નેતાઓએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી પદની શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી, તેમની પ્રથમ વિદેશ યાત્રા તરીકે ભૂટાન ગયા હતા. ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગેએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતાં તેમને પોતાના મિત્ર, ભાઈ અને માર્ગદર્શક ગણાવ્યા.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે, પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા અને બંને દેશો વચ્ચેના દીર્ઘકાલીન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે શ્રીલંકાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી. ભારતમાં આવેલા શ્રીલંકાના ઉચ્ચાયોગે પણ રાષ્ટ્રપતિ દિસાનાયકેનો સંદેશ ભારત અને શ્રીલંકા માટે પ્રસિદ્ધ કર્યો, જેમાં બંને દેશો વચ્ચેની ઘનિષ્ઠ અને દીર્ઘકાલીન ભાગીદારીની પુષ્ટિ કરવામાં આવી.
મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે, પ્રધાનમંત્રી મોદીની સિદ્ધિઓને તેમના વર્ષોના સમર્પિત લોકસેવા અને નેતૃત્વનું પ્રમાણ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, આ સિદ્ધિ ભારતના વિકાસ, સમૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે દેશની સ્થિતિને મજબૂત બનાવવા માટે તેમના વર્ષોના સમર્પિત જનસેવા અને નેતૃત્વનું પ્રતિબિંબ છે. તેમણે ભારત સાથેની ઘનિષ્ઠ અને દીર્ઘકાલીન મિત્રતાને મહત્વ આપતાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને બંને દેશોના નાગરિકો માટે નવી તકો ઊભી કરવા સહકાર ચાલુ રાખવાની આશા વ્યક્ત કરી. સાથે જ તેમણે પ્રધાનમંત્રી મોદીની સતત સફળતા તથા ભારતની જનતા માટે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની શુભકામનાઓ પાઠવી.
નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ તિનબૂએ, પ્રધાનમંત્રી મોદીને સતત ત્રણ કાર્યકાળ દરમિયાન ભારતની જનતાએ તેમના નેતૃત્વ પર દર્શાવેલા વિશ્વાસ અને ભરોસાનો ઉલ્લેખ કર્યો. રાષ્ટ્રપતિ તિનુબૂએ ભારત-નાઇજીરિયા સંબંધોને મજબૂત બનાવવામાં પ્રધાનમંત્રી મોદીના યોગદાનને રેખાંકિત કર્યું અને તેમના સારા સ્વાસ્થ્ય, બુદ્ધિમત્તા અને સતત સફળતાની શુભેચ્છા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદી નાઇજીરિયાના મહાન મિત્ર હોવા ઉપરાંત તેમના વ્યક્તિગત મિત્ર અને વિશ્વાસુ સહયોગી પણ છે.
માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇજુએ, પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવતાં પરસ્પર સન્માન, સાર્વભૌમ સમાનતા અને સંયુક્ત હિતોના આધારે ભારત સાથેના સહકારને વધુ મજબૂત બનાવવાની પોતાના દેશની ઇચ્છા વ્યક્ત કરી.
કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોઈ રૂટોએ, આ પ્રસંગને ભારતની જનતાએ તેમના નેતૃત્વમાં મૂકેલા વિશ્વાસ અને ભરોસાનું પ્રતિક ગણાવ્યું. તેમણે બંને દેશોના પરસ્પર લાભ માટે ભારત સાથેના સહકારને વધુ ગાઢ બનાવવા કેન્યાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી.
દક્ષિણ કોરિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ લી જે-મ્યોંગે, ભારતના વિકાસ અને પ્રગતિમાં પ્રધાનમંત્રી મોદીની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી અને કોરિયા-ભારત વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
ઇટાલીની પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ, પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા. તેમણે રોમમાં થયેલી પોતાની તાજેતરની મુલાકાતને યાદ કરી અને બંને દેશો તથા તેમની પ્રજાના હિતમાં ભારત અને ઇટાલી વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / જિતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ