
વલસાડ,10 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકારના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત વલસાડ-ડાંગના સાંસદ તથા લોકસભાના દંડક ધવલ પટેલે વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર અને તિથલ બીચની મુલાકાત લઈ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.પારનેરા ડુંગરની તળેટીમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતાજીના મંદિરે દર્શન કરી વિકાસલક્ષી કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. પારનેરા ડુંગર પર સરકાર દ્વારા પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરાતા આજે આ ઐતિહાસિક સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ત્યારબાદ સાંસદએ તિથલ બીચ પર ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તિથલ બીચને વધુ આધુનિક અને પ્રવાસનમૈત્રી બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તેમણે બીચ પર ફરવા આવેલા સહેલાણીઓ સાથે મુલાકાત કરી આત્મીય સંવાદ પણ કર્યો હતો.તિથલ ગામના સરપંચ રાકેશ પટેલે તિથલ ખાતે થયેલા વિવિધ વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી. જેમાં સમુદ્ર કાંઠાના ધોવાણને અટકાવવા માટેની પ્રોટેક્શન વોલ, હાઈમાસ્ટ લાઈટ, પવનચક્કી તેમજ સહેલાણીઓ માટે બેસવાની સુવિધા જેવા વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કિશોર પટેલ, જિલ્લા પંચાયત સભ્ય જય ત્રિવેદી, પારનેરા ગામના સરપંચ ભરત પટેલ, વન વિભાગના અધિકારીઓ, જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, ભાજપના હોદ્દેદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha