
વલસાડ,10 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા પોલીસને માદક પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન મહત્વની સફળતા મળી છે. એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) વલસાડે પારડી તાલુકાના સરોધી ગામમાંથી ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂ. 37,20,500ના મુદ્દામાલ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લામાં માદક પદાર્થોના સંગ્રહ, વેચાણ, હેરાફેરી અને વાવેતર સામે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારની રાહબરી હેઠળ કામગીરી કરવામાં આવી હતી.બાતમીના આધારે એસઓજીની ટીમે પારડી તાલુકાના સરોધી ગામના બરવાળી ફળિયામાં આવેલા ખાતા નંબર 459, સર્વે નંબર 875ની જમીન પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી જીતેન્દ્ર ઉર્ફે જીતુ અમૃતભાઈ કોંતી , રહેવાસી માની ગામ, કપરાડા તાલુકાને ઝડપી પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન સ્થળ પરથી ગાંજાના 18 છોડ, કુલ વજન 74.310 કિલોગ્રામ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 37,15,500 થાય છે. ઉપરાંત એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (કિંમત રૂ. 5,000) પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ કુલ રૂ. 37,20,500નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.આ અંગે આરોપી તથા અન્ય સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ NDPS Act-1985ની કલમ 8(B), 8(C), 20(A), 20(B)(II)(C) અને 29 હેઠળ પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.આ સમગ્ર કામગીરી એસઓજી વલસાડના પીઆઇ ડી.ડી. પરમાર, પીએસઆઇ વાય.પી. હડીયા, એએસઆઇ સયદભાઈ બાબનભાઈ, એએસઆઇ ભાવેશકુમાર મગનભાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ટીમવર્કથી સફળતાપૂર્વક પાર પાડી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha