
પાટણ, 10 જૂન (હિ.સ.) : પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જૂનાગઢના ભવનાથ મેળામાં ચોરી થયેલો સોનાનો દોરો વેચવા નીકળેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સુનિલ જગદિશ વાઘરી અને કિશોર ગાંડા દેવીપૂજકની અટકાયત કરીને તેમની પાસેથી રૂ. 67,950 કિંમતનો સોનાનો દોરો જપ્ત કર્યો છે.
ખાનગી બાતમીના આધારે LCB ટીમે પાટણના ટાંકવાડા ચોક વિસ્તારમાં દરોડો પાડી બંને શખ્સોને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે ચાર મહિના પહેલાં જૂનાગઢના ભવનાથ મેળામાં ભીડનો લાભ લઈને તેમણે અન્ય એક સાગરિત સાથે મળીને સોનાનો દોરો ચોર્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી 06.040 ગ્રામ વજનનો સોનાનો દોરો કબજે કર્યો છે. બંને આરોપીઓ સામે બી.એન.એસ.એસ. કલમ 35(1)(ઈ) હેઠળ કાર્યવાહી કરીને તેમને પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ચોરીમાં સંડોવાયેલા ત્રીજા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ