
સુરત, 10 જૂન (હિ.સ.) સુરતના લસકાણા વિસ્તારના ખોલવાડ ગામમાં સોમવારે સાંજે એક ચિંતાજનક ઘટના સામે આવી હતી. માનસિક તણાવમાં રહેલા એક યુવકે પોતાના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી આત્મહત્યાનો પ્રયાસ શરૂ કર્યો હોવાનું પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ નજીકમાં પેટ્રોલિંગ કરી રહેલી PCR વાનના પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સાતમા માળે આવેલા ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસ માટે સમય સામેની દોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. દરવાજો તોડવામાં વિલંબ થવાની શક્યતા હોવાથી પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોવિંદભાઈએ જોખમ ઉઠાવી પાડોશી ફ્લેટની બારી મારફતે યુવકના ફ્લેટમાં પ્રવેશ કર્યો. અંદર પહોંચતા યુવક ઝેરી દવા પી રહ્યો હોવાનું જણાતા તેમણે તરત જ તેને રોકી લીધો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.
યુવકે થોડી માત્રામાં ઝેરી દવા પી લીધી હોવાથી પોલીસકર્મીઓએ વિલંબ કર્યા વગર તેને પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યો હતો. કામરેજની હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા યુવકનો જીવ બચી ગયો હતો. પોલીસની ઝડપી કામગીરી અને બહાદુરીને કારણે એક પરિવાર મોટી દુર્ઘટનાથી બચી ગયો હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસના આ પ્રયાસની પ્રશંસા થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે