



પોરબંદર, 10 જૂન (હિ.સ.) : પોરબંદરમાં ચોમાસાની આગાહી વચ્ચે પોરબંદર શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરનું તેમજ ઘેડ વિસ્તારનું વરસાદી પાણી જે માર્ગે દરિયામાં પહોંચે છે તે ઝુબેલી પુલ નીચે મોટા પ્રમાણમાં મલબાના ઢગલા જમા થઈ જતા પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઉભો થયો હોવાનું સામે આવ્યું છે.
દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદી પાણીની જાવક માટે મહત્વના ગણાતા આ સ્થળે મલબાના પહાડ જેવા ઢગલા યથાવત્ રહેતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.ચોમાસાની સિઝનમાં ઘેડનું પાણી કર્લી જળાશયમાંથી પસાર થઈ ઝુબેલી પુલ પાસેની ખાડી મારફતે દરિયામાં ઠલવાય છે. શહેરના વિવિધ વિસ્તારોનું વરસાદી પાણી પણ આ જ માર્ગે નિકાલ પામે છે. પરંતુ પુલ નીચે વર્ષોથી એકઠા થયેલા મોટા મલબા અને ગાદના કારણે પાણીનો પ્રવાહ ધીમો પડી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ભારે વરસાદ સમયે પાણીનો ફોર્સ ઘટી જતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે અને અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા ઉભી થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya