પોરબંદર મહાનગરપાલિકામાં કાયમી ભરતી કરવા રજુઆત.
પોરબંદર, 10 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકામાં વર્ષોથી કાયમી ભરતી ન થતાં કર્મચારીઓની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી નાગરિક દિનેશ ત્રિવેદીએ મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ભરતી માટે રજૂઆત
પોરબંદર મહાનગરપાલિકામાં કાયમી ભરતી કરવા રજુઆત.


પોરબંદર, 10 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકામાં વર્ષોથી કાયમી ભરતી ન થતાં કર્મચારીઓની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી નાગરિક દિનેશ ત્રિવેદીએ મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ભરતી માટે રજૂઆત કરવાની માંગ કરી છે.પત્રમાં જણાવાયું છે કે એક સમયની નગરપાલિકામાં આશરે 800 જેટલા કાયમી કર્મચારીઓનું મહેકમ હતું, જ્યારે હાલમાં મહાનગરપાલિકામાં અંદાજે 20 જેટલા કાયમી વહીવટી કર્મચારીઓ અને 250 જેટલા કાયમી સફાઈ કર્મચારીઓ જ કાર્યરત હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મોટી સંખ્યામાં આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા વહીવટી અને સફાઈ સહિતની કામગીરી સંચાલિત થઈ રહી છે. શહેરનો વિસ્તાર, વસ્તી અને જવાબદારીઓમાં વધારો થયો હોવા છતાં કાયમી કર્મચારીઓની સંખ્યા સતત ઘટતી જતી હોવાનો મુદ્દો પણ પત્રમાં ઉઠાવવામાં આવ્યો છે.દિનેશ ત્રિવેદીએ જણાવ્યું છે કે મર્યાદિત કાયમી સ્ટાફ વચ્ચે મહાનગરપાલિકાનું સંચાલન કરવું પ્રશંસનીય બાબત છે, પરંતુ લાંબા ગાળે કોઈપણ જાહેર સંસ્થાનું કાર્યક્ષમ સંચાલન પૂરતા કાયમી માનવબળ વિના શક્ય નથી. ખાસ કરીને વહીવટી વિભાગમાં કાયમી કર્મચારીઓની ઓછી સંખ્યા ભવિષ્ય માટે ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું છે.પત્રમાં મહાનગરપાલિકાના ખાલી પડેલા તમામ મંજૂર પદોની વિગતો જાહેર કરવા, નગરપાલિકા સમયના મહેકમ અને વર્તમાન સ્થિતિ અંગે જાહેર સમીક્ષા કરવા, કાયમી ભરતી માટે રાજ્ય સરકાર સમક્ષ સશક્ત રજૂઆત કરવા તથા આ મુદ્દે મહાનગરપાલિકાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરી શહેરી વિકાસ વિભાગને મોકલવાની માંગ કરવામાં આવી છે. સાથે સ્થાનિક યુવાનોને રોજગારીની તક મળે તે માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. અંતમાં તેમણે જણાવ્યું છે કે ઓછા માણસોથી કામ ચલાવવાની ક્ષમતા પ્રશંસનીય છે, પરંતુ શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે પૂરતા કાયમી કર્મચારીઓની ભરતી સમયની માંગ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande