રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત મોઢેરા સૂર્ય મંદિરે શ્રદ્ધાળુઓને ટ્રાફિક નિયમોની માહિતી અપાઈ
મહેસાણા, 10 જૂન (હિ.સ.) : રોડ સેફ્ટીને પ્રોત્સાહન આપવા અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાના હેતુથી આરટીઓ મહેસાણા ટીમ દ્વારા મોઢેરા સ્થિત વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંદિરે દર્શન માટે આવતા શ્
રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત મોઢેરા સૂર્ય મંદિરે શ્રદ્ધાળુઓને ટ્રાફિક નિયમોની માહિતી અપાઈ


મહેસાણા, 10 જૂન (હિ.સ.) : રોડ સેફ્ટીને પ્રોત્સાહન આપવા અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાના હેતુથી આરટીઓ મહેસાણા ટીમ દ્વારા મોઢેરા સ્થિત વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ટ્રાફિકના નિયમો અંગે માહિતી આપવામાં આવી હતી.

આરટીઓની ટીમ દ્વારા વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, વાહનની નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન, ટ્રાફિક સિગ્નલનું અનુસરણ, મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો તેમજ દારૂ પીને વાહન ન ચલાવવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક જાગૃતિ સંબંધિત પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પેમ્પલેટમાં માર્ગ સલામતીના નિયમો, સાવચેતીઓ અને અકસ્માત નિવારણ અંગેની ઉપયોગી માહિતી સમાવાઈ હતી. શ્રદ્ધાળુઓએ પણ આ અભિયાનને આવકાર આપ્યો હતો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આરટીઓ મહેસાણાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોને માર્ગ સલામતી અંગે વધુ જાગૃત બનાવી શકાય છે, જેના પરિણામે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરી સુરક્ષિત અને જવાબદાર વાહન વ્યવહારને પ્રોત્સાહન મળી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande