કોચર અને ભુલ્લર મોરોક્કોમાં 10 સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ કરશે
રબાત (મોરોક્કો), નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) ભારતીય ગોલ્ફરોનું 10 સભ્યોનું દળ, આ સપ્તાહે મોરોક્કોમાં યોજાનારી પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સિરીઝ મોરોક્કો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. બે મિલિયન અમેરિકન ડોલરની ઇનામી રકમ ધરાવતી આ મોટી ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડી
ભારતીય ખેલાડી કરણદીપ કોચ્ચર


રબાત (મોરોક્કો), નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) ભારતીય ગોલ્ફરોનું 10 સભ્યોનું દળ, આ સપ્તાહે મોરોક્કોમાં યોજાનારી પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સિરીઝ મોરોક્કો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. બે મિલિયન અમેરિકન ડોલરની ઇનામી રકમ ધરાવતી આ મોટી ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓ પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ભારતીય દળનું નેતૃત્વ શાનદાર ફોર્મમાં રહેલા કરણદીપ કોચ્ચર અને અનુભવી ખેલાડી ગગનજીત ભુલ્લર કરી રહ્યા છે. તેમની સાથે ભારતના દિગ્ગજ ગોલ્ફર અનિર્બાન લાહિરી પણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય ટીમમાં આર્યન રૂપા આનંદ, ઉદયન માણે, એસએસપી ચૌરસિયા, રાશિદ ખાન, શૌર્ય ભટ્ટાચાર્ય, અજીતેશ સંધૂ અને શુભમ જગલાનનો પણ સમાવેશ થાય છે.

26 વર્ષીય કરણદીપ કોચ્ચર હાલમાં ઉત્તમ લયમાં છે. આ સીઝનમાં એશિયન ટૂરની માત્ર પાંચ સ્પર્ધાઓમાં તેમણે ત્રણ વખત ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં યોજાયેલા એએમ ગ્રીન આઈજીપીએલ ઇન્ડિયા ક્લાસિકમાં તેમણે સંયુક્ત નવમું સ્થાન મેળવ્યું હતું. તે પહેલાં તેઓ ઇન્ટરનેશનલ સિરીઝ જાપાનમાં સંયુક્ત પાંચમા અને ફિલિપાઇન્સ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને રહ્યા હતા. ગયા વર્ષે તેમણે ઇજિપ્ત ગોલ્ફ સિરીઝ રેડ સી ઓપનનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

કોચ્ચરે જણાવ્યું કે, આ વર્ષે તેમની રમત સતત સુધરી રહી છે અને તેઓ પોતાની લયથી સંતોષ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું, “હું આ વર્ષે ખૂબ સારી રમત રમી રહ્યો છું. પાંચ સ્પર્ધાઓમાં ત્રણ વખત ટોપ-10માં પહોંચવું આત્મવિશ્વાસ વધારનારું છે. જે ટૂર્નામેન્ટોમાં પરિણામ અપેક્ષા મુજબ ન આવ્યું હોય, ત્યાં પણ મારી રમત મજબૂત રહી છે.”

ગયા ત્રણ સપ્તાહથી મોરોક્કોમાં સતત સ્પર્ધાઓ રમવાના કારણે શારીરિક થાક અનુભવાતો હોવાની વાત સ્વીકારતાં કોચ્ચરે જણાવ્યું કે આ ટૂર્નામેન્ટ તેમના કારકિર્દી માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું, “મજાગાન બીચ ગોલ્ફ કોર્સ પર તેજ પવનમાં રમવું ખૂબ પડકારજનક રહ્યું છે. થોડી થાક લાગતી હોવા છતાં હું પોતાને યાદ અપાવું છું કે આ સ્પર્ધા જીવન બદલનારી સાબિત થઈ શકે છે. ત્યારબાદ લાંબો આરામ મળશે, તેથી અત્યારે સંપૂર્ણ શક્તિ લગાવવી જરૂરી છે.”

કોચ્ચરે ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ અને એશિયન ટૂર વચ્ચેની ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “ભારતીય ગોલ્ફમાં ખૂબ પ્રતિભા છે. આ ભાગીદારીથી ખેલાડીઓને મોટું મંચ મળ્યું છે. ટોચના ભારતીય ખેલાડી તરીકે પ્રદર્શન કરવું મારા માટે ગૌરવની વાત છે.”

તેમણે સ્મિત સાથે જણાવ્યું, “આજે અમે પ્રેક્ટિસ દરમિયાન સાત હોલની એક નાની સ્પર્ધા પણ રમી હતી. હું અને આર્યન, અનિર્બાન અને શૌર્ય સામે રમી રહ્યા હતા. છેલ્લાં બે હોલમાં બર્ડી ફટકારીને અમે મેચ બરાબરી પર લાવી દીધી.”

કોચ્ચરે આગળ જણાવ્યું કે, લાહિરી જેવા ખેલાડી સાથે સમય પસાર કરવો યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક છે. તેમણે કહ્યું, “અનિર્બાન પાસે પીજીએ ટૂર અને વૈશ્વિક ગોલ્ફનો વિશાળ અનુભવ છે. તેમની સાથે સમય વિતાવીને ઘણું શીખવા મળે છે. હાલમાં વૈશ્વિક ગોલ્ફમાં તેઓ જ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને અમે બધા તેમની સાથે રમીને ખુશ છીએ.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande