
ભાવનગર, 10 જૂન (હિ.સ.) ભાવનગર જિલ્લા ડિસ્ટ્રીક્ટ નોડલ ઓફિસર (NTCP) તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સિહોર શહેરમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ (COTPA-2003)ના અસરકારક અમલીકરણ માટે વિશેષ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આશિયા હુનાણીની અધ્યક્ષતામાં તાલુકા તમાકુ નિયંત્રણ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી હતી.
તમાકુજન્ય પદાર્થોના વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણ લાવવા તેમજ જાહેર સ્થળોએ ધૂમ્રપાન અને તમાકુના સેવનને રોકવાના હેતુથી વિવિધ સ્થળોએ અચાનક તપાસ કરવામાં આવી હતી. સ્ક્વોડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તમાકુ અને તમાકુની બનાવટોના જથ્થાબંધ તેમજ છૂટક વેચાણ કરતા વેપારીઓ, પાન-મસાલાની દુકાનો અને બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન COTPA-2003 અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા વેપારીઓ અને વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કુલ 14 સ્થળોએ અધિનિયમના ભંગના કેસ નોંધાયા હતા, જેમાં રૂ. 2,050નો દંડ વસૂલ કરીને સરકારી તિજોરીમાં જમા કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ વેપારીઓને તમાકુ સંબંધિત કાયદાની જોગવાઈઓ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું અને ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી.
આ અભિયાનનો મુખ્ય હેતુ તમાકુના સેવનથી થતા આરોગ્યના નુકસાન અંગે જનજાગૃતિ લાવવાનો તેમજ જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવાનો છે. આરોગ્ય વિભાગ દ્વારા આવી કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી તમાકુમુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA