
રાજકોટ,10 જૂન (હિ.સ.) રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી સિનિયર કેજીની પાંચ જેટલી વિદ્યાર્થિનીઓ સાથે 55 વર્ષીય શિક્ષક દ્વારા કથિત રીતે શારીરિક અડપલાં અને યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે આરોપી શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપી શિક્ષક દેવાણંદ બેરાએ રાજકોટ જિલ્લાની ઉપલેટા તાલુકાની એક પ્રાથમિક શાળામાં સિનિયર કેજીમાં અભ્યાસ કરનારી 5 બાળકીઓ સાથે 28 જૂન 2025 થી લઈ 2 મે 2026 થી દરમિયાન ક્લાસરૂમમાં શારીરિક અડપલા તેમજ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ વિદ્યાર્થીનીઓની નાની ઉંમર અને નિર્દોષતાનો લાભ લઈ તેમની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો તેમજ કેટલાક કિસ્સાઓમાં ગંભીર પ્રકારના યૌન શોષણના આક્ષેપો કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીના 32 વર્ષીય માતા દ્વારા શાળાના શિક્ષક દેવાણંદ બેરા વિરુદ્ધ બીએનએસની કલમ 75 (2), 351(2), 64(2) તેમજ પોક્સો એક્ટની કલમ 6, 8, 10 મુજબ રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ 8 જૂન 2026ના રોજ મોડી રાત્રે દાખલ કરાવવામાં આવી હતી. જે ફરિયાદ નોંધાતાની સાથે પાટણવાવ પોલીસ દ્વારા 9 જુન 2026 ના રોજ લંપટ શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરવામાં આવી અને બીજી તરફ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવેલો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, દેવાણંદ બેરા જૂન 2025 થી શાળામાં અભ્યાસ કરી રહેલી સિનિયર કેજીની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અશ્લીલ હરકતો કરતો હતો તેમજ બાળકીઓની નાની ઉંમરનો લાભ લઈને તેમની સાથે શારીરિક અડપલા તેમજ તેમના પ્રાઇવેટ પાર્ટમાં પણ સ્પર્શ કરતો હતો. ત્યારે સમગ્ર મામલે એક વિદ્યાર્થિની દ્વારા પોતાના માતા પિતાને બેડ ટચ બાબતે જાણકારી આપતા સમગ્ર મામલો સ્કૂલ સુધી પણ પહોંચ્યો હતો. ત્યારબાદ 55 વર્ષીય શિક્ષકે માત્ર એક નહીં પરંતુ પાંચ જેટલી વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ દ્વારા ભોગ બનનાર બાળકીઓના વાલીઓના નિવેદન નોંધવામાં આવ્યા તો સાથે જ ભોગ બનનાર બાળકીઓનું તેમજ આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરા લગાવવામાં ન આવ્યા હોવાનું ખુલ્યું છે. બનાવ સંદર્ભે બુધવારના મેજિસ્ટ્રેટ સમક્ષ ભોગ બનનારનું નિવેદન પણ નોંધાવવામાં આવનાર છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બેરા છેલ્લા ત્રણ વર્ષથી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.
દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, 9 જૂન 2026 ના રોજ સંબંધિત વિભાગ દ્વારા અમારી કચેરીને પ્રાથમિક શાળાના શિક્ષક બેરા વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ બાબતે ઈ મેઈલ દ્વારા જાણ કરવામાં આવી છે. જે બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે તેમજ તાત્કાલિક અસરથી શિક્ષક બેરાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતમાં ચિંતા ઉભી કરી છે. નાની વયની વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને શાળાઓમાં દેખરેખની વ્યવસ્થા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ