
ભાવનગર,10 જૂન (હિ.સ.) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) યુનિટના કર્મચારીઓ માટે વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 6:30 વાગ્યાથી 8:15 વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
યોગ સત્રનું માર્ગદર્શન જાણીતા યોગ શિક્ષક ડૉ. રેખા જે. ડોબરિયાએ આપ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન અને શ્વાસોચ્છ્વાસની કસરતો કરાવવામાં આવી હતી. સત્ર દરમિયાન શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને આંતરિક સમતુલા જાળવવા માટે યોગના મહત્વ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ઉપસ્થિત કર્મચારીઓએ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાની જરૂરિયાતને સ્વીકારી અને નિયમિત અભ્યાસ પ્રત્યે રસ દર્શાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં શાંતિપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે તમામ સહભાગીઓને આધ્યાત્મિક તેમજ માનસિક ઊર્જાનો અનુભવ થયો હતો. યોગ દ્વારા તણાવમુક્ત જીવન જીવવા અને કાર્યક્ષમતામાં વધારો કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
યોગ સત્ર પૂર્ણ થયા બાદ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ત્યાગરાજજીએ પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જીવનમાં સંસ્કાર, શિસ્ત, નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિકતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ખાસ કરીને યુવા પેઢીને સંબોધતા તેમણે વ્યસનમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ અને સદાચાર જીવનને સફળતા અને સુખ તરફ દોરી જાય છે.
આ સમગ્ર કાર્યક્રમ કર્મચારીઓના સર્વાંગી વિકાસ, આરોગ્ય જાગૃતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ આ યોગ સત્રે સૌમાં સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાનો સંદેશ પ્રસારીત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA