સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દરમિયાન યુવકનું મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ
સુરત, 10 જૂન (હિ.સ.): સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દરમિયાન 22 વર્ષીય યુવકના મોતની ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. રણજીત ચંદ્રશેખર ગીરી નામના યુવકને દારૂના નશામાં હોવાના આરોપસર પ્રોહિબિશન કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. પોલીસ
સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દરમિયાન યુવકનું મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ


સુરત, 10 જૂન (હિ.સ.): સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દરમિયાન 22 વર્ષીય યુવકના મોતની ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. રણજીત ચંદ્રશેખર ગીરી નામના યુવકને દારૂના નશામાં હોવાના આરોપસર પ્રોહિબિશન કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં મધરાત્રિ દરમિયાન તેની તબિયત અચાનક બગડી ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 12:30 વાગ્યે યુવક લોકઅપમાંથી બહાર આવ્યો હતો અને અચાનક ચક્કર ખાઈને બેભાન થઈ ગયો હતો. ફરજ પર હાજર પોલીસકર્મીઓએ તરત જ CPR આપવાનો પ્રયાસ કર્યો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તેને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં યુવકને ખેંચ (ફિટ્સ) આવવાના કારણે તબિયત બગડી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેને અગાઉ પણ આવી તકલીફ થઈ હતી અને સારવાર લેવા માટે સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેણે સારવાર કરાવી નહોતી. પોલીસ દ્વારા ઘટનાની જાણ પરિવારને તાત્કાલિક કરવામાં આવી હતી અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને સુરતમાં વોટર બોટલ ડિલિવરીનું કામ કરતો હતો. પરિવારના સભ્યોએ મૃતદેહ પર કોઈ ગંભીર ઇજાના નિશાન ન હોવાનું જણાવ્યું છે, જોકે કમરના ભાગે સામાન્ય ખરોચ જોવા મળી હતી. કસ્ટડી દરમિયાન મોત થયેલ હોવાથી કેસને કસ્ટોડિયલ ડેથ તરીકે નોંધવામાં આવ્યો છે અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande