
અમદાવાદ, 10 જૂન (હિ.સ.) : આ વર્ષે દેશના 16 રાજ્યોમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં આજે 1 જૂને વરસાદની આગાહી હતી પરંતુ 9 જૂન મોડી રાત્રે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 13 જૂનથી રાજ્યમાં વિધિવત વરસાદી માહોલ જામવાની શક્યતા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ભારે પવન સાથે વરસાદ પડ્યો.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારે ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઝડપી પવન સાથે વરસેલા તોફાની વરસાદને કારણે થોડા સમય સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. મેઘરાજાની એન્ટ્રી અને જિલ્લામાં વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી.
આગાહી મુજબ, આગામી 3 દિવસ એટલે કે 13 જૂનની સવાર સુધી દક્ષિણ ગુજરાતના માત્ર ગણતરીના જિલ્લાઓ જેમ કે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે.
13 જૂનથી વરસાદી માહોલ જામશે
જો કે, આ પહેલાં આગામી બે દિવસ સુધી ગરમીનો પારો યથાવત રહેશે. જ્યારે 42 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું છે. આમ, રાજ્યભરમાં એક તરફ અસહ્ય ઉકળાટ અને બીજી તરફ ચોમાસાના આગમનની આતુરતા વચ્ચે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
14થી 15 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, જેમ કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ