
પોરબંદર, 11 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લા એલ.સી.બી.ની ટીમે કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર રોઘડા ગામના પાટિયા પાસે કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ. 3,07,850નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી સ્ટાફે સફેદ રંગની મારુતિ ઇકો કાર અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની 180 એમએલની કુલ 605 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,02,850 થાય છે. પોલીસે દારૂ ઉપરાંત કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કેસમાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામના રહેવાસી આરીફ હનીફભાઈ નોતિયાર ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર તરીકે મોબાઈલ નંબર ધારક અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya