
અમદાવાદ,11 જૂન (હિ.સ.) દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદ સંબંધિત કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ જેમ કે પાણી ભરાવા, વૃક્ષ પડવા, ડ્રેનેજ ચોકઅપ કે ફાયર ઇમરજન્સીના તાત્કાલિક નિરાકરણ માટે ખાસ 'મોનસૂન કંટ્રોલ રૂમ' શરૂ કરવામાં આવ્યો છે. શહેરના તમામ ઝોનમાં નાગરિકોની સુવિધા માટે 24 કલાક કાર્યરત રહે તેવા ટેલિફોન અને વ્હોટ્સએપ નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
એએમસીનો મુખ્ય મોનસૂન કંટ્રોલ રૂમ પાલડી સ્થિત સંસ્કાર કેન્દ્ર ખાતે બનાવવામાં આવ્યો છે. નાગરિકો આ મુખ્ય કેન્દ્ર પર ટેલિફોન ઉપરાંત વ્હોટ્સએપ દ્વારા પણ સીધી વિગતો મોકલી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ શહેરીજનોને વિનંતી કરી છે કે, ચોમાસાના જૂન થી સપ્ટેમ્બર મહિનાના ગાળા દરમિયાન કોઈપણ આપત્તિ જણાતા તરત જ પોતાના નજીકના ઝોનલ નંબર પર સંપર્ક કરવો. કંટ્રોલ રૂમ પરથી તુરંત જ ફિલ્ડ એન્જિનિયરો અને ઇમરજન્સી ટીમોને રવાના કરી નાગરિકોની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ