
અમરેલી,11 જૂન (હિ.સ.) અમરેલી જિલ્લા નામદાર પોક્સો કોર્ટમાં ચાલી રહેલા એક મહત્વપૂર્ણ કેસમાં છેલ્લા સાત વર્ષથી નાસતા-ફરતા આરોપીને શોધી કાઢવામાં અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે. લાંબા સમયથી પકડથી દૂર રહેલા આરોપીની ધરપકડ થતાં પોલીસ વિભાગમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ ભાવનગર રેન્જના પોલીસ મહા નિરીક્ષક આર.વી. અસારી દ્વારા રેન્જના તમામ જિલ્લાઓમાં વિવિધ ગુનાઓમાં કોર્ટ દ્વારા જાહેર કરાયેલા પકડ વોરંટના નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે જિલ્લામાં ટાર્ગેટેડ પકડ વોરંટના આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ માર્ગદર્શન આપ્યું હતું.
અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ઓ.કે. જાડેજા અને તેમની ટીમે કામગીરી હાથ ધરી હતી. દરમિયાન અમરેલી જિલ્લા નામદાર પોક્સો કોર્ટના ટાર્ગેટેડ કેસ નંબર 15/2019માં વોન્ટેડ આરોપી હરસિંગભાઈ મહેતાબભાઈ મહેડા (મૂળ વતન ગરાડફળીયા, બોકડીયા, તાલુકો ભાભરા, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ) હાલ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ધરમપુર ગામની સીમ વિસ્તારમાં રહેતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી.
અ.પો.કો. ઉદયભાઈ ગોપાલભાઈ મેણીયાને મળેલી બાતમી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે, પોલીસ ટીમે રાજકોટ જિલ્લાના ધરમપુર ગામની સીમમાં સર્ચ ઓપરેશન હાથ ધરી આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.
આરોપી છેલ્લા સાત વર્ષથી કોર્ટના પકડ વોરંટ હેઠળ ફરાર હતો. અમરેલી રૂરલ પોલીસની આ કામગીરીને, કોર્ટ કેસોના ઝડપી નિકાલ અને કાયદો-વ્યવસ્થાના જતન માટે મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai