
ભાવનગર, 11 જૂન (હિ.સ.) : રાજ્યભરમાં તા. 14 જૂન, 2026ના રોજ યોજાનારી પોલીસ ભરતી પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના ભાવનગર વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વિશેષ બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવનગર વિભાગ હેઠળના ભાવનગર, પાલીતાણા, મહુવા અને તળાજા ડેપો ખાતેથી અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય પરીક્ષા કેન્દ્રો માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ પાલીતાણા ડેપોથી તા. 13 જૂને સાંજે 5:00 વાગ્યે અમદાવાદ અને રાજકોટ માટે વિશેષ બસો રવાના થશે. મહુવા ડેપોથી અમદાવાદ માટે તા. 13 જૂને રાત્રે 10:00 વાગ્યે બસ મૂકવામાં આવી છે, જ્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ તા. 14 જૂને બપોરે 2:00 વાગ્યે મહુવા માટે પરત સેવા ઉપલબ્ધ રહેશે.
ભાવનગર ડેપોથી તા. 14 જૂને અમદાવાદ માટે રાત્રે 2:00 વાગ્યે, વડોદરા માટે રાત્રે 1:30 વાગ્યે તેમજ રાજકોટ માટે રાત્રે 2:00 વાગ્યે વિશેષ બસો દોડાવવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ બપોરે 1:30 વાગ્યે આ તમામ સ્થળોથી ભાવનગર માટે પરત બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તળાજા ડેપોથી અમદાવાદ માટે રાત્રે 12:20 વાગ્યે અને રાજકોટ માટે રાત્રે 12:15 વાગ્યે વિશેષ બસો ઉપલબ્ધ રહેશે.
વિભાગીય નિયામક આર.ડી. પીલવાઈકરે જણાવ્યું છે કે હાલની માંગ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જો આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો જરૂરિયાત મુજબ વધુ એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવશે.
પરીક્ષાર્થીઓ નિગમની ઓનલાઈન રિઝર્વેશન વેબસાઇટ તથા મોબાઇલ એપ્લિકેશન દ્વારા અગાઉથી ટિકિટ બુક કરાવી શકે છે. એસ.ટી. વિભાગે તમામ ઉમેદવારોને સમયસર મુસાફરીનું આયોજન કરી પરીક્ષા માટે સુવિધાનો લાભ લેવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA