
બોટાદ, 11 જૂન (હિ.સ.) : બોટાદની સહાયક વાહન વ્યવહાર કચેરી (એ.આર.ટી.ઓ.) દ્વારા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને નાગરિકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે માર્ગ સલામતી જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ, યાત્રિકો તથા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ગતિમર્યાદાનું પાલન કરવું, ટ્રાફિક સંકેતોનું અનુસરણ કરવું તેમજ નશાની હાલતમાં વાહન ન ચલાવવું જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એ.આર.ટી.ઓ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોના મોટાભાગના બનાવો ટ્રાફિક નિયમોના ભંગ અને બેદરકારીના કારણે સર્જાતા હોય છે. જો દરેક વાહનચાલક નિયમોનું પાલન કરે તો અનેક અકસ્માતો અટકાવી શકાય છે અને કિંમતી માનવજીવન બચાવી શકાય છે. તેથી માર્ગ સલામતીને વ્યક્તિગત જવાબદારી તરીકે સ્વીકારવી અત્યંત જરૂરી છે.
અભિયાન અંતર્ગત માર્ગ સલામતી સંબંધિત જનજાગૃતિ પેમ્ફલેટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષિત મુસાફરી માટેની જરૂરી સૂચનાઓ અને ટ્રાફિક નિયમોની માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોએ આ પહેલને આવકારી હતી અને ટ્રાફિક નિયમોના પાલન માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજમાં માર્ગ સલામતી અંગે સકારાત્મક સંદેશ પહોંચે છે અને જવાબદાર વાહન વ્યવહારની સંસ્કૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે. :
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA