

પોરબંદર, 11 જૂન (હિ.સ.)જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા સાયક્લોન બોક્સ ક્રિકેટ, હાઇવે-25, પોરબંદર ખાતે *“Inter-Club & Professional Associations Box Cricket Tournament 2026”* નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ શહેરની વિવિધ ક્લબો અને પ્રોફેશનલ એસોસિએશનો વચ્ચે મિત્રતા, સહકાર, નેટવર્કિંગ અને રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. બે દિવસ સુધી ચાલેલા આ ટુર્નામેન્ટમાં કુલ 9 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભાગ લેનાર ટીમોમાં જેસીઆઈ પોરબંદર પ્લસ , લાયન્સ ક્લબ , રોટરી ક્લબ , બાર એસોસિએશન , ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA), સીએ એસોસિએશન , એસોસિએશન ઓફ એન્જિનિયર્સ & આર્કિટેક્ટ્સ, જનરલ મેડિકલ પ્રેક્શનર્સ એસોસિએશન અને ટેક્સ કન્સલ્ટન્ટ્સ એસોસિએશન નો સમાવેશ થતો હતો.
ટુર્નામેન્ટ દરમિયાન રોમાંચક મુકાબલાઓ, આકર્ષક પ્રદર્શન અને ખેલદિલીનો ઉત્કૃષ્ટ માહોલ જોવા મળ્યો હતો. તમામ ટીમોએ ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને ટુર્નામેન્ટને યાદગાર બનાવી હતી.
ટુર્નામેન્ટના અંતે સીએ એસોસિએશન એ શાનદાર પ્રદર્શન સાથે ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે જેસીઆઈ પોરબંદર પ્લસ રનર-અપ રહ્યું હતું. ફાઇનલ મેચે ખેલાડીઓ અને દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.
આ આયોજનને સફળ બનાવવા માટે તમામ ભાગ લેનાર ટીમો, કેપ્ટનો, ખેલાડીઓ, મહેમાનો, દર્શકો તથા સહયોગીઓનો જેએસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટના સફળ આયોજનમાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ લાખણશી ગોરાણિયા, પ્રેસિડેન્ટ પ્રતીક લાખાણી, સેક્રેટરી વિવેક લાખાણી તથા પાસ્ટ પ્રેસિડેન્ટ્સ બિરાજ કોટેચા, સંદીપ કાનાણી, હાર્દિક મોનાણી, આકાશ ગોંદિયા, તથા પ્રોજેક્ટ ટીમમાં ઋષિ બુદ્ધદેવ, વરૂણ લાખાણી, જીત ઠકરાર સહિત સમગ્ર જેસીઆઈ પોરબંદર પ્લસ ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
“Together As One” ના સૂત્ર સાથે આયોજિત આ ટુર્નામેન્ટે વિવિધ સંસ્થાઓ વચ્ચે એકતા, મિત્રતા અને સહભાગિતાનો સુંદર સંદેશ આપ્યો હતો તથા શહેરના રમતગમત અને સામાજિક જીવનમાં એક યાદગાર પ્રકરણ ઉમેર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya