
અમરેલી11 જૂન (હિ.સ.)
અમરેલી શહેરની શાંતાબા જનરલ હોસ્પિટલમાં હવે કેન્સર વિભાગની શરૂઆત કરવામાં આવી છે, જેના કારણે અમરેલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને મોટી રાહત મળશે. અત્યાર સુધી કેન્સરની સારવાર માટે દર્દીઓને રાજકોટ, ભાવનગર અથવા અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે પ્રાથમિક નિદાન અને સારવારની અનેક સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે.
હોસ્પિટલ તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જાન્યુઆરીથી મે 2026 દરમિયાન માત્ર પાંચ મહિનાના ગાળામાં કુલ 1.98 લાખ જેટલા દર્દીઓએ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં નિષ્ણાત તબીબો દ્વારા વિનામૂલ્યે કન્સલ્ટેશન, સારવાર અને દવાઓનો લાભ લીધો હતો. આ આંકડો હોસ્પિટલ પ્રત્યે લોકોના વધતા વિશ્વાસને દર્શાવે છે.
આ સમયગાળા દરમિયાન હોસ્પિટલમાં 2.60 લાખથી વધુ વિનામૂલ્યે લેબોરેટરી તપાસો કરવામાં આવી હતી. ઉપરાંત 9,100 જેટલી સોનોગ્રાફી અને 32,000 જેટલી એક્સ-રે તપાસો પણ દર્દીઓને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. હોસ્પિટલમાં સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી આધુનિક નિદાન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેનાથી દર્દીઓને ઝડપી અને ચોક્કસ નિદાન મળી રહે છે.
તદુપરાંત પાંચ મહિનામાં અંદાજે 9,200 જેટલા વિવિધ પ્રકારના ઓપરેશનો સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા. હવે કેન્સર વિભાગ શરૂ થતાં કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે નિષ્ણાત માર્ગદર્શન, સમયસર નિદાન અને સારવાર વધુ સરળ બનશે.
શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સતત વિસ્તરતી સેવાઓના કારણે અમરેલી અને આસપાસના જિલ્લાઓના હજારો દર્દીઓને ગુણવત્તાયુક્ત અને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓનો લાભ મળી રહ્યો છે. નવા કેન્સર વિભાગની શરૂઆત આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai