
સુરત, 11 જૂન (હિ.સ.): શહેરમાં રહેણાક બિલ્ડીંગો તેમજ શોપિંગ કોમ્પ્લેક્ષ સહિતની બિલ્ડિંગોમાં લિફ્ટમાં લોકો ફસાય જવાની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે.દરમ્યન વધુ એક ઘટના સામે આવી હતી. શહેરના સગરામપુરા વિસ્તારમાં બનેલી એક ઘટનાને પગલે ધમાચકડી મચી ગઈ હતી. ક્ષેત્રપાળ મંદિર સામે આવેલા એક રહેણાંક કોમ્પલેક્સમાં લિફ્ટ અચાનક બંધ પડી જતાં તેમાં સવાર એક વૃદ્ધ દંપતી અંદર ફસાઈ ગયું હતું. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સગરામપુરા ખાતે આવેલા ક્ષેત્રપાળ મંદિર સામે જશ પોઇન્ટ આવેલું છે .દરમ્યાન એક વૃદ્ધ દંપતી પૈકી 78 વર્ષીય રમેશચન્દ્ર અને 75 વર્ષીય રંજબેન કામસર લિફ્ટ મારફતે ઉપર જઈ રહયા હતા.દરમ્યાન લિફ્ટ ત્રીજા માળે પહોંચતા અચાનક ટેકનિકલ ખામી અથવા પાવર ફેલ્યોરના કારણે અધવચ્ચે જ અટકી ગઈ હતી. પરિણામે વૃદ્ધ દંપતી અંદર જ ફસાઈ ગયું હતું.દંપતીએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી અને તેઓ અંદર જ કેદ થઈ ગયા હતા.લાંબા ટાઈમ સુધી અંદર ફસાય જવાને પગલે વૃદ્ધ દંપતી ગભરાઈ ગયું હતું. ગભરામણના કારણે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી. મદદ માટે તેમણે લિફ્ટની અંદરથી બૂમાબૂમ શરૂ કરી હતી.લિફ્ટમાંથી અવાજ સંભળાતા જ કોમ્પલેક્સના રહેવાસીઓ અને નજીકના દુકાનદારો સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પોતાના સ્તરે લિફ્ટ ખોલવાના પ્રયાસો કર્યા, પરંતુ સફળતા મળી ન હતી. અંતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ સૌપ્રથમ અંદર ફસાયેલા દંપતીને હિંમત આપી ગભરામણ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આધુનિક રેસ્ક્યૂ સાધનો અને જેકની મદદથી લિફ્ટનો દરવાજો ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ભારે જહેમત અને સુઝબુઝ બાદ ફાયર જવાનો લિફ્ટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા.ત્યારબાદ અંદર ફસાયેલા બંને વૃદ્ધોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બહાર આવતાની સાથે જ દંપતી અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો સાથે જ ફાયર બ્રિગેડના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે