
ગીર સોમનાથ, 11 જૂન (હિ.સ.) : ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ સશક્ત બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન હેઠળ તથા ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના સહયોગથી ટીબી દર્દીઓ માટે વેરાવળ રેયોન હાઉસિંગ સોસાયટીના હોલમાં પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ટીબી સામેની લડતમાં પોષણયુક્ત આહારના મહત્વ અંગે દર્દીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. યોગ્ય દવા સાથે પોષણયુક્ત આહાર લેવાથી દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે તેમજ સારવારના સારા પરિણામો પ્રાપ્ત કરી શકે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે કુલ ૧૨૦ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના સી.એસ.આર હેડ શ્રદ્ધાબહેને દર્દીઓ સાથે સંવાદ કરી તેમને નિયમિત સારવાર, પોષણયુક્ત આહાર અને હકારાત્મક અભિગમ દ્વારા ટીબીને હરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ટીબી અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા, ટીબીના લક્ષણો જણાય ત્યારે તાત્કાલિક તપાસ કરાવવા તથા નિર્ધારિત સમયગાળા સુધી સંપૂર્ણ સારવાર પૂર્ણ કરવા અંગે દર્દીઓ અને તેમના પરિવારજનોને સમજણ આપી હતી.
જિલ્લા ક્ષય કેન્દ્ર, ગીર સોમનાથ અને ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના સહયોગથી ટીબી મુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમો દ્વારા દર્દીઓને સારવાર સાથે પોષણ સહાય પણ મળી રહે છે, જે તેમના આરોગ્ય સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ