
ગીર સોમનાથ, 11 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર નાગરિકોને ઉત્તમ આરોગ્યસેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ આરોગ્ય સેવાનો વ્યાપ વિસ્તારતા ‘બાર વર્ષ – જનવિશ્વાસના,વિકાસના, જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત પીએમ-જેએવાય યોજના હેઠળ ૬,૭૬,૭૮૩ નાગરિકોને આયુષ્માન કાર્ડનો લાભ અપાયો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર “બાર વર્ષ – જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના” અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લામાં ૬,૭૬,૭૮૩ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં ૯,૨૯૪ આયુષ્માન વય વંદના કાર્ડનો સમાવેશ થાય છે.
ગીર સોમનાથમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ દોઢ વર્ષમાં કુલ ૧૦,૬૧૩ આયુષ્યમાન કાર્ડધારકોને સામાન્યથી લઈ ગંભીર બીમારીઓમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે, તેમ ગીર સોમનાથના આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં પીએમજેવાય યોજના હેઠળ કુલ ૫૧ હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ૩૭ સરકારી અને ૧૪ ખાનગી હોસ્પિટલનો સમાવેશ થાય છે. નોંધપાત્ર બાબત એ છે કે દર્દીઓને મહત્તમ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી ગીર સોમનાથ આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે.
જિલ્લામાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ‘PMJAY યોજના’ હેઠળ ગંભીર બીમારીઓની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. જેમાં હૃદયરોગ, કિડની, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરની સારવારમાં કીમોથેરાપી સહિત દર્દીઓને ડાયાલિસિસનો સમાવેશ થાય છે.
આરોગ્યસેવાથી કોઈ વંચિત ન રહે તેવા ધ્યેયમંત્ર સાથે આરોગ્ય વિભાગ કાર્યરત છે. PM-JAY યોજના હેઠળ જિલ્લાના દર્દીઓને અતિગંભીર પ્રકારની બીમારીઓમાં રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ ખાતે પણ રિફર કરી માર્ગદર્શન પૂરું પાડી અને આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ