
ગીર સોમનાથ 11 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી અને સશક્ત નેતૃત્વ હેઠળ ભારતે ૧૨ વર્ષોમાં વિકાસના અનેક નવા આયામો સર કર્યા છે. કેન્દ્ર સરકારના આ સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી અંતર્ગત કોડીનાર તાલુકામાં યોજાયેલી 'પ્રગતિ પથ યાત્રા'માં શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સહભાગી થયાં હતાં.
કોડીનાર તાલુકાના છાછર ડેમ, રૂદ્રેશ્વર ભારતી આશ્રમ ઘાંટવડ, ભેખેશ્વર ડેમ, શાપુરજી પાલનજી સહિતના સ્થળો આવરી લઈ યોજાયેલી 'પ્રગતિપથ યાત્રા' દરમિયાન શિક્ષણમંત્રીએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો.
છાછર ડેમ અને ભેખેશ્વર ડેમની મુલાકાત લઈ મંત્રીએ હાલનો પાણી પુરવઠો, જળસ્ત્રોત, શિંગોડા પિકઅપ વિયર નં-૨ અને ૩ જળ સંચય યોજના, બાંધકામ તેમજ જગતિયા, સુગાળા, સિંધાજ, રોણાજ, દુદાણા, મિતિયાજ, દેવળી, કોડીનાર સહિતના ગામોને સિંચાઈનો લાભ, પાણીનો સંગ્રહ, નવા બની રહેલા રોડ-રસ્તાઓ વગેરે વિશે જાણકારી મેળવી અને આગામી ચોમાસાની ઋતુને લક્ષ્યમાં લઈ કાર્યરત કામ સત્વરે પૂરા કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રૂદ્રેશ્વર ભારતી આશ્રમ ઘાંટવડ અને ભેખેશ્વર મહાદેવ મંદિર ખાતે શિક્ષણમંત્રીએ મુક્તાનંદભારતી બાપુ સહિત કાર્યકરો, સમાજના આગેવાનો સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં ૧૨ વર્ષોમાં વિકાસના કાર્યોનો ઉલ્લેખ કરી અને સંવાદ સાધ્યો હતો તેમજ ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
ઉપરાંત, સીમર પોર્ટ ખાતે શાપુરજી-પાલનજી કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી અને મંત્રીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી અલગ-અલગ તબક્કાઓની કામગીરી, કંપનીનું માળખું, મલ્ટી યૂઝર પોર્ટ, બ્રેકવોટર પોઈન્ટ, વેસલ હેન્ડલિંગ તેમજ ભવિષ્યની તકોને લક્ષમાં લઈ અને કંપનીની આગામી વિસ્તરણ યોજનાઓ સહિત વિવિધ તબક્કાઓની કામગીરીથી અવગત થયાં હતાં.
આ પ્રગતિપથ યાત્રામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, અગ્રણીઓ સર્વ શૈલેષભાઈ વાઘેલા, અશ્વિનભાઈ ઝાલા, જીતુભાઈ બારડ, શારદાબહેન બામણિયા, દર્પિતભાઈ ડોડિયા સહિતના સામાજિક-રાજકીય અગ્રણીઓ, છાછર-કરેડા, જગતિયા સહિત ગામના સરપંચઓ અને નાગરિકો સહભાગી બન્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ