
નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ જીનીવામાં, 114મી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં ભારતના શ્રમ સુધારા, સામાજિક સુરક્ષા અને ડિજિટલ જાહેર માળખા પર પ્રકાશ પાડ્યો હતો. કરંદલાજેએ રવાન્ડાના જાહેર સેવા અને શ્રમ મંત્રી ક્રિસ્ટીન નકુલિકીન્કા સાથે પણ દ્વિપક્ષી બેઠક યોજી હતી.
શોભા કરંદલાજેએ 114મી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના પૂર્ણ સત્રને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતે અન્ત્યોદય ના સિદ્ધાંતને અનુરૂપ, વ્યાપક શ્રમ સુધારા હાથ ધર્યા છે. આ અંતર્ગત, પાલનને સરળ બનાવવા, કામદાર કલ્યાણને મજબૂત કરવા અને આધુનિક અને પારદર્શક શ્રમ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને ચાર શ્રમ સંહિતાઓમાં એકીકૃત કરવામાં આવ્યા છે.
કરંદલાજેએ સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં, 114મા આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ આ પરિષદનું આયોજન કરવા બદલ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનને અભિનંદન પાઠવ્યા હતા અને ઝડપી વૈશ્વિક ફેરફારો વચ્ચે સામાજિક ન્યાય અને ગૌરવપૂર્ણ કાર્યને પ્રોત્સાહન આપવા માટે તેના નેતૃત્વની પ્રશંસા કરી હતી.
શોભા કરંદલાજેએ રવાન્ડાના જાહેર સેવા અને શ્રમ મંત્રી ક્રિસ્ટીન નકુલિકીન્કા સાથે પણ, દ્વિપક્ષી બેઠક યોજી હતી. તેમણે શ્રીલંકાના શ્રમ મંત્રી અનિલ જયંત ફર્નાન્ડો સાથે પણ દ્વિપક્ષી બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન શ્રીલંકાએ ભારતના શ્રમ સુધારાઓમાં ઊંડો રસ દાખવ્યો હતો અને ચાર નવા શ્રમ કાયદાના સફળ અમલીકરણની સમીક્ષા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર /પ્રજેશ શંકર/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ