
જામનગર, 11 જૂન (હિ.સ.) :જામનગર શહેરના ખંભાળિયા નાકા વિસ્તારમાં બેફિકરાઈથી અને પૂરઝડપે ચલાવાયેલી સીએનજી રિક્ષાની અડફેટે વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ બેડ ગામના રહેવાસી મનીષભાઈ કાળુભાઈ રાઠોડના માતા શારદાબેન કાળુભાઈ રાઠોડ તા.6 જૂન 2026ના રોજ બપોરે ખંભાળિયા નાકા નજીક સરપંચ ચા હોટલ પાસે બેઠા હતા. તે દરમિયાન રિક્ષા નં. જી.જે. 10 ટી.ઝેડ. 4459 ના ચાલકે પોતાની સીએનજી રિક્ષા બેફિકરાઈ અને પૂરઝડપે ચલાવી શારદાબેનને હડફેટે લીધા હતા.
અકસ્માતમાં શારદાબેન રોડ પર પટકાતા તેમને કમર, કપાળ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા તેમના પુત્ર મનીષભાઈ અને મામા રમેશભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને પ્રથમ ઓશવાળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મણકાના ભાગે ફ્રેક્ચર હોવાનું પ્રાથમિક નિદાન કર્યું હતું.
આગળની સારવાર માટે શારદાબેનને જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મનીષભાઈ રાઠોડે રિક્ષા ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt