ઉઘરાણીના વિવાદે લીધો હિંસક વળાંક: આદિપુરની હોટલમાં ઘૂસી સંચાલક અને કર્મચારી પર જીવલેણ હુમલો, તોડફોડથી ફફડાટ
કચ્છ, 11 જૂન (હિ.સ.) : આદિપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે ઉઘરાણી અને વ્યાપારીક લેવડ-દેવડના વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં હિંસક ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં ચિંતા અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. મળતી માહિતી મુજબ આદિપુર બસ સ્ટેશન નજીક આવેલી એક હોટલમાં ગ
આદિપુર ખાતે હોટલમાં બબાલ


કચ્છ, 11 જૂન (હિ.સ.) : આદિપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે ઉઘરાણી અને વ્યાપારીક લેવડ-દેવડના વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં હિંસક ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં ચિંતા અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. મળતી માહિતી મુજબ આદિપુર બસ સ્ટેશન નજીક આવેલી એક હોટલમાં ગત મોડી રાત્રે કેટલાક શખ્સો ધસી આવ્યા હતા અને હોટલ સંચાલક સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. શરૂઆતમાં મૌખિક તકરાર સુધી મર્યાદિત રહેલો વિવાદ થોડી જ વારમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ગુસ્સે ભરાઈ ધારીયા અને છરી જેવા ઘાતક હથિયારો વડે હોટલ સંચાલક તેમજ ત્યાં હાજર એક કર્મચારી પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હુમલાખોરો માત્ર હુમલો કરીને અટક્યા નહોતા, પરંતુ હોટલની અંદર તોડફોડ પણ મચાવી હતી. ફ્રિજ, ટીવી સહિતની વિવિધ વસ્તુઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો અને વેપારીઓમાં પણ સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી ગઈ હતી.

બનાવ અંગે માહિતી મળતા આદિપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. પીડિત પક્ષની ફરિયાદના આધારે પોલીસે હુમલો, તોડફોડ, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હુમલામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં ઘટનાનું મૂળ કારણ ઉઘરાણી અને નાણાકીય વ્યવહાર સંબંધિત વિવાદ હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર ઘટનાની હકીકત અને હુમલાખોરોની ભૂમિકા અંગે વધુ વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ આ ઘટનાએ આદિપુરના વેપારી વર્ગમાં ચકચાર મચાવી છે અને કાયદો-વ્યવસ્થા અંગે ચર્ચા શરૂ થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande