
કચ્છ, 11 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન કાયદાના ભંગ અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસ દ્વારા વધુ એક કડક પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરના આદેશના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ગાંધીધામે દારૂની ગેરકાયદેસર હેરફેર અને વેચાણ સાથે સંકળાયેલા બે શખ્સોને ‘પાસા’ (Prevention of Anti Social Activities Act) હેઠળ અટકાયત કરીને જેલ હવાલે કર્યા છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અસામાજિક અને કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એવા તત્વોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી, જેઓ રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવી તેનો સંગ્રહ અને ગેરકાયદેસર વેપાર કરતા હોવાના આરોપોનો સામનો કરી રહ્યા હતા.
તપાસ દરમિયાન ગાંધીધામના રહેવાસી ધીરજભાઈ પ્રેમજીભાઈ ઘેડા અને વિજય ઉર્ફે વિકી શંકરભાઈ ચંદે વિરુદ્ધ અગાઉથી વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશન તથા અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. બંને આરોપીઓ સામેના ગુનાહિત ઇતિહાસ અને તેમની પ્રવૃત્તિઓના આધારે એલસીબી દ્વારા પાસા હેઠળ કાર્યવાહી માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે કલેક્ટર કચ્છને મોકલવામાં આવી હતી.
કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા સમગ્ર મામલાની સમીક્ષા કર્યા બાદ બંને આરોપીઓ સામે પાસાની કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી અને તેમની અટકાયત માટે વોરંટ જારી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એલસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી લઈને જેલ હવાલે કર્યા હતા. ધીરજભાઈ ઘેડાને અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે વિજય ઉર્ફે વિકી ચંદેને સુરતની લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસ રેકોર્ડ મુજબ ધીરજભાઈ ઘેડા સામે ગાંધીધામ ‘બી’ ડિવિઝન, સામખિયાળી અને કંડલા મરીન પોલીસ મથકોમાં પ્રોહિબિશન કાયદા ઉપરાંત ધમકી, જાહેર શાંતિ ભંગ અને અન્ય ગુનાઓ સહિત કુલ અનેક કેસ નોંધાયેલા છે. બીજી તરફ વિજય ઉર્ફે વિકી ચંદે સામે પણ પ્રોહિબિશન સંબંધિત ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસનું માનવું છે કે આવા તત્વો સામે અટકાયતી પગલાં લેવાથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે. સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જી. પટેલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રોહિબિશન કાયદાનો ભંગ કરનાર અને સમાજમાં અશાંતિ ફેલાવતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar