





કચ્છ, 11 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતાં સમગ્ર રાજ્યનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ તેમજ શત-પ્રતિશત પરિણામ મેળવનારી શાળાઓના સન્માન માટે કેરા ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, કચ્છ અને શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી એ-૧ ગ્રેડ મેળવનાર ૮૬૭ વિદ્યાર્થીઓ અને ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરનારી ૨૧૭ શાળાઓને બિરદાવવામાં આવી હતી.
કેરા સ્થિત લાલજીભાઈ રૂડા પિંડોરિયા ઓડિટોરિયમમાં યોજાયેલા આ સન્માન સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે કચ્છનો શિક્ષણ ક્ષેત્રે થયેલો વિકાસ આજે સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યો છે. એક સમયે શૈક્ષણિક પડકારોનો સામનો કરતો કચ્છ આજે રાજ્યના અગ્રણી જિલ્લાઓમાં સ્થાન મેળવી રહ્યો છે, જે શિક્ષકો, વાલીઓ, સમાજ અને શૈક્ષણિક તંત્રના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.
રાજ્યમંત્રીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને સંદેશ આપતાં કહ્યું કે સફળતા હંમેશા કઠોર પરિશ્રમને વરે છે. આજના સન્માનિત વિદ્યાર્થીઓ માત્ર પોતાના પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશ માટે આશાનું પ્રતીક છે. તેમણે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવા પેઢીની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કરતાં વિદ્યાર્થીઓને ભવિષ્યના જવાબદાર નાગરિક તરીકે આગળ વધવા અનુરોધ કર્યો હતો.
તેમણે ખાસ નોંધ્યું કે કચ્છમાં વિદ્યાર્થિનીઓની સિદ્ધિઓ સતત વધી રહી છે અને મેરિટ યાદીમાં તેમની સંખ્યા વિદ્યાર્થીઓ કરતાં વધુ જોવા મળી રહી છે. આ પરિવર્તન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનોની સફળતાનું જીવંત ઉદાહરણ હોવાનું તેમણે જણાવ્યું. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સતત કરવામાં આવેલા રોકાણ અને સુવિધાઓના વિકાસને કારણે કચ્છમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું.
કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીએ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા, નવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના તેમજ ઉચ્ચ શિક્ષણની વધતી તકો અંગે માહિતી આપી હતી. ભુજમાં વેટરનરી કોલેજ, સિનુગ્રા એગ્રીકલ્ચર કોલેજ, પોલિટેકનિક કોલેજ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની પણ તેમણે ચર્ચા કરી હતી.
કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણની સુવિધાઓ પહોંચાડવામાં સરકારને નોંધપાત્ર સફળતા મળી છે. તેમણે કહ્યું કે આજે કચ્છના ગામડાંઓમાંથી પણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની મેરિટ યાદીમાં સ્થાન મેળવી રહ્યા છે, જે જિલ્લાની બદલાતી શૈક્ષણિક સ્થિતિનું પ્રતિબિંબ છે. સમાજના સહયોગ અને શિક્ષણપ્રેમી સંસ્થાઓના યોગદાનને કારણે કચ્છમાં શૈક્ષણિક વાતાવરણ વધુ મજબૂત બન્યું હોવાનું તેમણે જણાવ્યું.
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે વર્તમાન પરિણામો કચ્છમાં શિક્ષણના સુવર્ણ યુગની શરૂઆતનો સંકેત આપે છે. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે વાલીઓએ વધુ જાગૃત બની તેમની શૈક્ષણિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જોઈએ તેવો સંદેશ તેમણે આપ્યો હતો.
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે કચ્છ જિલ્લો સતત શૈક્ષણિક સિદ્ધિઓના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યો છે. રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે, જે શિક્ષણ ક્ષેત્રે જિલ્લાના સતત વિકાસનો પુરાવો છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત અભ્યાસ માટે સરકાર તથા વિવિધ સંસ્થાઓના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.
સમારોહ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ ગ્રાન્ટેડ શાળાઓમાં પાંચ વર્ષની સેવા પૂર્ણ કરનારા શિક્ષકોને કાયમી નિમણૂકના હુકમો પણ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં કચ્છી લેવા પટેલ સમાજના અગ્રણીઓ, દાતાઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમારોહ ઉત્સાહ, ગૌરવ અને પ્રેરણાના વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો, જેમાં કચ્છના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યની નવી આશાઓને વધુ બળ મળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar