
કચ્છ, 11 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખારોઈ ગામના રહેવાસી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય દેવાભાઈ વેલાભાઈ રબારી માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મહારાષ્ટ્રમાં પશુઓના ચરિયાણ માટે ગયેલા દેવાભાઈ પર તેમના જ પાલતુ ઊંટે અચાનક હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં તેમની આંખ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમની દ્રષ્ટિ પર પણ ગંભીર અસર થઈ હતી.
આકસ્મિક બનેલી આ ઘટનાએ દેવાભાઈ અને તેમના પરિવારજનોને ચિંતામાં મૂકી દીધા હતા. આંખની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક વિશેષજ્ઞ સારવાર અને સર્જરીની જરૂરિયાત ઉભી થઈ હતી, પરંતુ આર્થિક રીતે નબળી સ્થિતિને કારણે સારવારનો ખર્ચ ઉઠાવવો તેમના માટે મુશ્કેલ બની રહ્યો હતો. આવી કપરા સમયે આયુષ્માન ભારત યોજના તેમની માટે આશાનું કિરણ બનીને સામે આવી.
સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા દેવાભાઈને PMJAY યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ખારોઈ સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે પહોંચ્યા, જ્યાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તેમની પાત્રતા ચકાસીને તાત્કાલિક આયુષ્માન કાર્ડ તૈયાર કરી આપ્યું હતું. કાર્ડ તૈયાર થતાં જ તેમને યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને વધુ સારવાર માટે ભુજ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
આયુષ્માન કાર્ડના કારણે દેવાભાઈને આંખની જરૂરી સર્જરી અને અન્ય આરોગ્ય સેવાઓ કેશલેસ પદ્ધતિથી ઉપલબ્ધ થઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને રીફરલની કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરાતા તેઓ સમયસર સારવાર મેળવી શક્યા છે. હાલ તેઓ નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આયુષ્માન ભારત યોજના માત્ર એક આરોગ્ય યોજના નથી, પરંતુ જરૂરિયાતમંદ પરિવારો માટે જીવનરક્ષક વ્યવસ્થા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અને મર્યાદિત આવક ધરાવતા પરિવારો માટે આ યોજના ગંભીર બીમારી અથવા અકસ્માતના સમયમાં મોટો આધાર બની રહી છે. દેવાભાઈના પરિવારજનોએ સમયસર સહાય અને સારવાર ઉપલબ્ધ કરાવવા બદલ આરોગ્ય વિભાગ તથા આયુષ્માન ભારત યોજનાનો આભાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણના પરિણામે અનેક પરિવારોને મોંઘી સારવારનો બોજ વિના આરોગ્ય સુરક્ષા મળી રહી છે. દેવાભાઈનો કિસ્સો એ વાતનું જીવંત ઉદાહરણ છે કે યોગ્ય સમયે મળેલી માહિતી અને સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ કોઈના જીવનમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar