
નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.). કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો શિલાન્યાસ, 14 જૂને મધ્યપ્રદેશના વિદિશામાં કરવામાં આવશે. આ કેન્દ્રને કૃષિ ક્ષેત્રમાં એક મોડેલ તરીકે વિકસાવવામાં આવશે. તેની સ્થાપના સાથે, અહીંના ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી સલાહ, માહિતી અને સરકારી યોજનાઓના લાભો મળશે.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે જાહેર કરેલા એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે, 14 જૂન વિદિશા સંસદીય મતવિસ્તારના કૃષિ અને ખેડૂતો માટે ઐતિહાસિક દિવસ રહેશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો શિલાન્યાસ 14 જૂને સવારે 10 વાગ્યે વિદિશાના બેરખેડી જટ્ટુમાં કરવામાં આવશે. આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભારતમાં એક મોડેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હશે.
તેમણે જણાવ્યું હતું કે, વિદિશા, રાયસેન, સિહોર અને દેવાસ જિલ્લાઓ માટે વિકસાવવામાં આવેલા વૈજ્ઞાનિક કૃષિ રોડમેપનો અમલ આ કાર્યક્રમથી શરૂ થશે. ચૌહાણે ઉમેર્યું હતું કે, ખેત બચાવો અભિયાન હેઠળ ખેડૂતોને મહત્વપૂર્ણ માહિતી પણ પૂરી પાડવામાં આવશે. નકલી ખાતરોને કેવી રીતે ઓળખવા અને તેનાથી બચવા, આધુનિક કૃષિ સાધનોનો ઉપયોગ કરીને પાક વાવવો, આધુનિક ખેતી પદ્ધતિઓનું પ્રદર્શન, મશીનરીનું પ્રદર્શન, સ્ટોલ અને ઘણું બધું શીખવાની તકો હશે. તેમણે ખેડૂતોને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને તેમની ખેતી પદ્ધતિઓ કેવી રીતે સુધારવી તે અંગે સલાહ લેવા વિનંતી કરી.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ