કેરી અને ખેતીના સાધનોની ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ: પશ્ચિમ કચ્છ એલસીબીએ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા
કચ્છ, 11 જૂન (હિ.સ.) : માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેરી અને ખેતીમાં ઉપયોગી સાધનોની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. લાંબા સમયથી ખેડૂતોને નિશાન બનાવી ખેતી માટે જરૂરી સાધનો તેમજ ખેતપેદા
માંડવી ચોરી કેસના આરોપીઓ


કચ્છ, 11 જૂન (હિ.સ.) : માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેરી અને ખેતીમાં ઉપયોગી સાધનોની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. લાંબા સમયથી ખેડૂતોને નિશાન બનાવી ખેતી માટે જરૂરી સાધનો તેમજ ખેતપેદાશોની ચોરી કરતી ટોળકીના ચાર સભ્યોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ટીમ માંડવી તાલુકાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગોધરા ગામના કેટલાક શખ્સો ચોરી કરેલા ઇલેક્ટ્રિક ઝાટકા મશીન, સોલાર પ્લેટ અને કેરીના કેરેટો વેચવાના ઈરાદાથી ગામની નદીના કિનારે ભેગા થયા છે. માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. આરોપીઓએ સ્વીકાર્યું કે તેમણે મોટા લાયજા ગામની વાડી વિસ્તારમાંથી ઇલેક્ટ્રિક ઝાટકા મશીન, બેટરી અને સોલાર પ્લેટોની ચોરી કરી હતી. ઉપરાંત, ગોધરા ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી કેસર કેરીની ચોરી કરીને કેરીના કેરેટો પણ ઉઠાવી ગયા હતા. ચોરી કરાયેલ કેરીઓને વાહન મારફતે અન્યત્ર ખસેડવામાં આવી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓના કબજામાંથી રોકડ રકમ, બે ઝાટકા મશીન, પ્લાસ્ટિકના કેરેટો તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.00 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 1,00,350 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ કેસમાં ગોધરા ગામના વિનોદ લક્ષમણ જાલાવાડા, નવુભા રતનજી સોઢા, ગોવિંદ જયંતિ ફરવાવાડા અને સચિન કાન્તીભાઈ પટ્ટણીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા તોસીફ મેમણ નામના આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

પશ્ચિમ કચ્છ એલસીબીની આ કામગીરીથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે. ખેતી સાથે સંકળાયેલા સાધનો અને ખેતપેદાશોની ચોરીના બનાવો સામે કડક કાર્યવાહીનો સંદેશો પણ આ ઓપરેશન દ્વારા આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં ચોરી, ગેરકાયદેસર હેરફેર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવનારા સમયમાં પણ સઘન અભિયાન ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande