


પોરબંદર, 11 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને વધુ સારી અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા રોડ-રસ્તાના વિકાસ કાર્યો ઝડપભેર હાથ ધરવામાં આવ્યા છે. મેયર સાગરભાઈ મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં માર્ગ સુવિધા મજબૂત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે રસ્તાઓના નિર્માણ અને સુધારણા કાર્યો ચાલી રહ્યા છે. ખાસ કરીને રોકડીયા હનુમાન મંદિરથી રેલવે ફાટક સુધીના વિસ્તારમાં આવેલા ગાંધી પાર્ક, આશાપુરા સહિતની વિવિધ સોસાયટીઓમાં મેટલ રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાપટ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં અંદાજે 7 કિલોમીટર લાંબા રસ્તાઓના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. માર્ગ નિર્માણની પ્રક્રિયા અંતર્ગત પ્રથમ તબક્કામાં રસ્તાઓને જરૂરી માપદંડો મુજબ ખોદી સમતલ કરવામાં આવ્યા છે, ત્યારબાદ તેના પર મેટલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરીને વધુ ગતિ આપવામાં આવશે અને નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયાસો કરવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya