
પાટણ, 11 જૂન (હિ.સ.) : સમી તાલુકા હેલ્થ કચેરીમાં આઉટસોર્સિંગ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પશાભાઈ નાડોદા સામે સરકારી નાણાંની ઉચાપતનો ગંભીર ગુનો નોંધાયો છે. ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નિકુલ નાયકે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસમાં ₹27,19,982ની કાયમી ઉચાપત સામે આવી છે. માર્ચ-એપ્રિલ 2026 દરમિયાન આશા બહેનોને ભથ્થું ન મળતાં થયેલી તપાસમાં આરોપીએ સરકારી ચેકો અને બેંક ટ્રાન્સફર શીટમાં છેડછાડ કરીને લાખો રૂપિયાની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હોવાનું બહાર આવ્યું હતું. આશા બહેનોના માનદ વેતન માટે આવેલા ₹6.79 લાખના ચેકમાં ફેરફાર કરીને ₹26.79 લાખ દર્શાવ્યાનો પણ આક્ષેપ છે.
તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ 134 કર્મચારીઓની ટ્રાન્સફર શીટમાં પોતાનું નામ ઉમેરી ₹21 લાખ પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા. ઉપરાંત કન્ટીજન્સી, લાઈટ બિલ, NPS, GPF અને જૂથ વીમા માટેના ચેક પણ સરકારી ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ખાતામાં જમા કરાવ્યા હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ મુજબ 27 ફેબ્રુઆરીથી 7 મે 2026 દરમિયાન કુલ ₹48.60 લાખની ઉચાપત કરવામાં આવી હતી. જેમાંથી આરોપીએ ₹21.40 લાખ પરત જમા કરાવ્યા હતા, જ્યારે ₹27.19 લાખની કાયમી ઉચાપત કરી સરકારી નાણાંનો અંગત ઉપયોગ કર્યો હોવાનું જણાવાયું છે. અગાઉના તાલુકા હેલ્થ ઓફિસરના કાર્યકાળ દરમિયાન પણ ₹40.98 લાખની ઉચાપત કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની મંજૂરી બાદ સમી પોલીસ સ્ટેશનમાં BNSSની કલમ 316(5), 336(2), 336(3), 338, 340(2) અને 316 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને ફરજમુક્ત કરવામાં આવ્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર રેખાબેન મોડીયા દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ બેંકના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ