



પોરબંદર, 11 જૂન (હિ.સ.) ગુજરાતના વાતાવરણમાં અત્યાર સુધી મુખ્યત્વે કેસર કેરીનું જ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું જોવા મળતું હતું, પરંતુ હવે સૌરાષ્ટ્રના ખેડૂતો કૃષિ ક્ષેત્રે નવા પ્રયોગો તરફ વળ્યા છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વરજાગ મેરામણ વાજા દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી હેઠળ વિશ્વની બે સૌથી મોંઘી અને અનોખી કેરીની જાતોનું સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં આવ્યું છે. તેઓ પોતાના ફાર્મમાં ઉગાડેલી જાપાનની પ્રખ્યાત ‘મિયાઝાકી’ અને અફઘાનિસ્તાનની ‘નૂરજહાં’ કેરીને પોરબંદર માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે લાવ્યા છે, જે હાલ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
પ્રાકૃતિક ખેડૂત વરજાગ વાજાના તેઓ લાંબા સમયથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા શાકભાજી, મરી-મસાલા અને ફળોનું ઉત્પાદન કરી રહ્યા છે. આ વર્ષે તેમણે કંઈક નવું કરવાના આશયથી કેરીની વૈશ્વિક જાતો પર પ્રયોગ કર્યો હતો.
વરજાગ વાજાએ જણાવ્યું કે જાપાનની પ્રખ્યાત ‘મિયાઝાકી કેરી’, જેની કિંમત જાપાનમાં આશરે ₹1.5 થી 3 લાખ સુધીની હોય છે, તેના ત્રણ ફળો તેઓ માર્કેટ યાર્ડમાં લાવ્યા છે. આ સાથે જ અફઘાનિસ્તાનની મૂળ અને વિશ્વની સૌથી મોટી ગણાતી ‘નૂરજહાં કેરી’ના બે ફળો પણ તેઓ લાવ્યા છે સામાન્ય રીતે નૂરજહાં કેરીનું એક ફળ 1 થી 7 કિલો સુધીનું હોઈ શકે છે, જ્યારે તેમના ફાર્મ પર આશરે 1 કિલો કે તેથી વધુ વજન ધરાવતી કેરીઓ તૈયાર થઈ છે.
વધુમાં તેમણે ગુજરાતમાં થતી કેરીની વિવિધ જાતોની વાત કરતાં જણાવ્યું કે ભારતમાં કેરીની અંદાજે 2,000 જેટલી જાતો ઉપલબ્ધ છે, જેમાંથી સૌરાષ્ટ્રમાં 4-5 જાતો વધુ પ્રચલિત છે, પરંતુ તેમણે આ નવો પ્રયોગ હાથ ધર્યો છે. અંતમાં તેમણે અન્ય ખેડૂતોને પણ ઝેરમુક્ત ગાય આધારિત ખેતી અપનાવી કેન્સર જેવા ગંભીર રોગોથી બચવા અને ચોરવાડ સ્થિત તેમના ફાર્મની મુલાકાત લેવા પણ અનુરોધ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya