
નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે, જો કેન્દ્ર અને રાજ્ય વિકાસના ભાગીદાર તરીકે મળીને કાર્ય કરે, તો ભારત ‘વિકસિત ભારત’ના સંયુક્ત લક્ષ્ય તરફ વધુ ઝડપથી આગળ વધી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ (શાસક પરિષદ)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
નીતિ આયોગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રધાનમંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વ અનિશ્ચિતતા અને અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ ભારત આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પ સાથે પોતાની વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધતાં સૌની સામૂહિક જવાબદારી વધુ વધી જાય છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, રાજ્યો વચ્ચે સહકાર, સંવાદ અને અનુભવોનું આદાન-પ્રદાન વિકાસનો આધાર બનવો જોઈએ. તેમણે કહ્યું કે નીતિ આયોગ રાજ્યો વચ્ચે સમન્વય અને સહયોગને પ્રોત્સાહન આપતું એક અસરકારક મંચ બની શકે છે. રાજ્યો એકબીજાના અનુભવોમાંથી શીખીને વિકસિત ભારતના લક્ષ્ય તરફ મળીને કાર્ય કરી શકે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતે અનેક દેશો સાથે મુક્ત વેપાર કરારો (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ) કર્યા છે, જેના કારણે વિકાસ અને નિકાસ માટે નવી તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે, આ કરારો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) માટે પણ વૈશ્વિક બજારોમાં પ્રવેશ કરવાની મહત્વપૂર્ણ તક પ્રદાન કરે છે. આ માટે તેમને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ પોતાની સ્પર્ધાત્મક ક્ષમતા વધારવી પડશે.
તેમણે જણાવ્યું કે, ભારતની જનસાંખ્યિકીય શક્તિ એક ઐતિહાસિક તક છે અને તેને ગુમાવી શકાય નહીં. યુવાનો માટે ગુણવત્તાસભર શિક્ષણ, માંગ આધારિત કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવી પ્રાથમિકતા હોવી જોઈએ. સશક્ત યુવાનો વિકસિત ભારતની યાત્રાના મુખ્ય પ્રેરક બનશે.
તેમણે જણાવ્યું કે, મહિલા નેતૃત્વ આધારિત વિકાસ વિકસિત ભારતની પરિકલ્પનાનો મહત્વપૂર્ણ આધાર છે. કૃષિ, સ્ટાર્ટઅપ, વિજ્ઞાન અને નવાચાર સહિતના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. રાજ્યોને મહિલાઓના શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સુરક્ષા અને સશક્તિકરણને પ્રાથમિકતા આપવી જોઈએ, જેથી તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ દેશના વિકાસ માટે થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ