


પોરબંદર, 11 જૂન (હિ.સ.)પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તાર ખાતે આવેલ રામદેવપીરના દ્વારા ખાતે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત સ્વનિધિ મહોત્સવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના શેરી ફેરીયાઓને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુથી આ કેમ્પ યોજાયો હતો. મેયર સાગરભાઈ મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં ઝુંડાળા વિસ્તારના ફેરીયાઓ, નાના વેપારીઓ અને સ્વરોજગારી સાથે જોડાયેલા લાભાર્થીઓને યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ફાઇનાન્શિયલ લિટરેસી સેન્ટરના ઝાહિદ ખોખર દ્વારા નાણાકીય સાક્ષરતા, બચતની આદતો, સુરક્ષિત બેંકિંગ વ્યવહારો તથા વધતા જતા સાયબર ફ્રોડથી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન પાત્ર લાભાર્થીઓને PM SVANidhi યોજના હેઠળ મળતી જામીનગીરીમુક્ત વર્કિંગ કેપિટલ લોન, રૂ-પે ક્રેડિટ કાર્ડ, વ્યાજ સબસિડી, ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેશબેક તેમજ સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ અંગે એનયુએલએમ પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી, કો-ઓર્ડિનેટર મનીષાબેન ચાંચિયા તથા અલ્પાબેન મકવાણા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં રૂ. 15,000, બીજા તબક્કામાં રૂ. 25,000 અને ત્રીજા તબક્કામાં રૂ. 50,000 સુધીની જામીનગીરીમુક્ત લોન આપવામાં આવે છે. સમયસર લોનની ચુકવણી કરનાર લાભાર્થીઓને 7 ટકા વ્યાજ સબસિડી તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વાર્ષિક રૂ. 1,600સુધીનું કેશબેક પણ આપવામાં આવે છે. ઉપરાંત બીજા તબક્કાની લોન પૂર્ણ કરનાર લાભાર્થીઓને રૂ. 30,000 સુધીની મર્યાદાવાળું UPI આધારિત રૂ-પે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે. આ યોજના માત્ર શાકભાજી કે ફળ વેચતા વેપારીઓ માટે મર્યાદિત નથી, પરંતુ 43 જેટલા વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા લોકો માટે લાભદાયી છે. જેમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ, ચા-નાસ્તાની લારીઓ, કપડાં અને હેન્ડલૂમ વેપારીઓ, હસ્તકલા કારીગરો, બાર્બર, ધોબી, મોચી, સાયકલ અને ઓટોમોબાઇલ રિપેરિંગ, ઝેરોક્સ-લેમિનેશન, લોહારી-સુથારી કામ, કાર-બાઈક વોશિંગ, બુક બાઈન્ડિંગ, લોટ ચક્કી સંચાલકો તેમજ અન્ય સ્વરોજગારી સાથે જોડાયેલા પરિવારોનો સમાવેશ થાય છે.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવા કેમ્પો યોજી વધુમાં વધુ શેરી ફેરીયાઓને યોજનાનો લાભ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ તકે કોર્પોરેટરો પ્રશાંતભાઈ સિસોદિયા, ધર્મેશભાઈ પરમાર તેમજ રણજીતભાઈ ભોગેસરા સહિત લાભાર્થીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya