
ભાવનગર, 11 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ જનજાગૃતિ અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત તા. 8 થી 14 જૂન દરમિયાન આયોજિત વિશેષ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ઘોઘા તાલુકાના વિવિધ ગામોમાં ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણના દૂષણોથી લોકોને અવગત કરવાનો હતો. આ ઝુંબેશમાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સરકારી કર્મચારીઓ, સ્વયંસેવકો, મહિલા મંડળો, યુવાનો તથા ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઝુંબેશ દરમિયાન ગામના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, શાળા પરિસરો, સરકારી કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો તેમજ સ્થાનિક બજાર વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તાઓની બંને બાજુઓ અને જાહેર સ્થળોએ પડેલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે એકત્ર કરાયેલા પ્લાસ્ટિક કચરાના વૈજ્ઞાનિક અને સુરક્ષિત નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતી પર્યાવરણીય હાનિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ કપડાની થેલીઓ, કાગળની બેગ અને અન્ય પર્યાવરણમિત્ર વિકલ્પો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગામોને સ્વચ્છ, હરિયાળા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સૌએ સંકલ્પ પણ લીધો હતો.
આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં પરંતુ સતત ચાલતી જનભાગીદારીની પ્રક્રિયા છે. ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ’ જેવી પહેલો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે સકારાત્મક સંદેશ પહોંચાડવામાં સફળતા મળી રહી છે. આ અભિયાનથી ગામોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધવાની સાથે પર્યાવરણ સંરક્ષણને પણ નવી દિશા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA