
ગાંધીનગર,11 જૂન (હિ.સ.) ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 જેટલું છે, જ્યારે કોંગ્રેસનું 12 અને આમ આદમી પાર્ટીનું 5 જેટલું જ સંખ્યાબળ છે. આથી એક પણ વિપક્ષી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા ન હોતા.
ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ ચારેય ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે હવે ગુજરાતમાં રાજ્યસભા માટે ચૂંટણીની જરુર નહીં રહે.
ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે, રાજ્યસભામાં કોંગ્રેસનો એકપણ સભ્ય નહીં હોય. ગુજરાતની રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભાજપના ઉમેદવાર હશે.
વિરોધપક્ષે કોઈ ઉમેદવાર મેદાનમાં ન ઉતારતા ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારો રાજેશ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાને સત્તાવાર રીતે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.
ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે, કોઈપણ વિરોધ પક્ષે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો ન હોવાથી ચૂંટણી અધિકારીએ ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.
પરિણામે હવે 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાશે નહીં.
ગુજરાત વિધાનસભામાં ભાજપનું પ્રભુત્વ હોવાને કારણે વિપક્ષ માટે જીતની કોઈ વાસ્તવિક સંભાવના નહોતી. હાલમાં 182 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 અને આમ આદમી પાર્ટી પાસે 5 ધારાસભ્યો છે.
આ સંજોગોમાં કોંગ્રેસ અને AAPએ રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય નિશ્ચિત બન્યો હતો.
કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ મુક્ત ગુજરાતની કલ્પનાની ગુજરાતે શરૂઆત કરી છે. નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટમાંથી કોંગ્રેસનો રાજ્યસભાનો એકપણ સભ્ય નહીં હોય તેવું પ્રથમવાર બનશે. આ ગુજરાતની જનતાના કારણે શક્ય બન્યું છે. લોકોએ અમારા એટલા પ્રતિનિધિઓને ચૂંટ્યા છે કે, જેના કારણે કોંગ્રેસને ફોર્મ ભરવાની પણ હિંમત ન ચાલી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ