નાસીરનગર ડિમોલિશન મુદ્દે એસએમસીમાં ઘમાસાણ, જવાબોની માંગ વચ્ચે હંગામો
સુરત, 11 જૂન (હિ.સ.) : સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે ગુરુવારે સુરત મહાનગરપાલિકા કચેરીમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જવાબદારી અને તોડફોડ પાછળ કોણ જવાબદાર છે તે જાણવા મીડિયા પ્રતિનિધિઓ મ્યુનિસિપલ કમિશનર એમ.
Surat


સુરત, 11 જૂન (હિ.સ.) : સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે ગુરુવારે સુરત મહાનગરપાલિકા કચેરીમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જવાબદારી અને તોડફોડ પાછળ કોણ જવાબદાર છે તે જાણવા મીડિયા પ્રતિનિધિઓ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનનો જવાબ મેળવવા પહોંચ્યા હતા. જોકે, અધિકારીઓ તરફથી સ્પષ્ટ માહિતી ન મળતાં વાતાવરણ ગરમાયું અને સમગ્ર ઘટનાએ નવો વિવાદ ઉભો કર્યો.

માહિતી મેળવવાના પ્રયાસ દરમિયાન મીડિયા કર્મચારીઓ અને પાલિકાના માર્શલો વચ્ચે બોલાચાલી બાદ ધક્કામુક્કી થઈ હતી. પરિસ્થિતિ વધુ વણસતાં લાલગેટ પોલીસને બોલાવવામાં આવી હતી. ઘટનાક્રમ દરમિયાન કેટલાક મીડિયા કર્મચારીઓ સાથે બળપ્રયોગ અને લાઠીચાર્જ થયાના આક્ષેપો પણ સામે આવ્યા, જેના કારણે પાલિકાની કામગીરી અને વલણ પર અનેક સવાલો ઊભા થયા છે.

પછી મીડિયા સમક્ષ આવેલા મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાનું જણાવતાં કોઈ ચોક્કસ જવાબ આપવાનો ટાળ્યો હતો. તેમણે વારંવાર કહ્યું કે ડિમોલિશન કોણે કર્યું અને કયા સંજોગોમાં થયું તેની તપાસ માટે સમિતિ રચવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ, ડિમોલિશનથી અસરગ્રસ્ત 100થી વધુ પરિવારો છેલ્લા 13 દિવસથી મુશ્કેલીમાં જીવન વિતાવી રહ્યા છે. વિવાદ વચ્ચે સંબંધિત બિલ્ડર સામે કડક કાર્યવાહી ન થવાના મુદ્દે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. SMC દ્વારા આપવામાં આવેલી તાજેતરની નોટિસ અને ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓના નિવેદનોએ સમગ્ર પ્રકરણમાં વહીવટી તંત્રની ભૂમિકા અંગેની ચર્ચાને વધુ તેજ બનાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande