

ગાંધીનગર, 11 જૂન (હિ.સ.) : શ્રી શક્તિ સેવા કેન્દ્ર, અંબાજી દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર સેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગરના કુડાસણ ચોકડી ખાતે બાળ ભિક્ષાવૃત્તિ નિવારણ અને બાળ અધિકાર જાગૃતિ માટે વિશેષ લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ તથા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોની હાજરીથી કાર્યક્રમને વિશેષ વેગ મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોમાં બાળ સુરક્ષા અને શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે માહિતીપ્રદ બેગોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે કોઈપણ બાળકને ભિક્ષા આપવાથી ક્ષણિક આત્મસંતોષ મળી શકે છે, પરંતુ તે બાળકને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરીને શિક્ષણ તરફ દોરી જવું એ સમાજની સાચી જવાબદારી છે. બાળકો રસ્તા પર નહીં પરંતુ શાળામાં પહોંચે તે માટે દરેક નાગરિકે પોતાની ભૂમિકા નિભાવવી જરૂરી છે.
શ્રી શક્તિ સેવા કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા અંજલી પટેલે સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંસ્થાના ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલે જણાવ્યું હતું કે શ્રી શક્તિ સેવા કેન્દ્ર છેલ્લા 16 વર્ષથી બાળ ભિક્ષાવૃત્તિ અને બાળ મજૂરી નિવારણ ક્ષેત્રે સતત કાર્યરત છે અને સમગ્ર ગુજરાતમાં આ જાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
સંસ્થાના કાર્યની નોંધપાત્ર સિદ્ધિઓમાં અત્યાર સુધીમાં 440થી વધુ બાળકોને અંબાજી વિસ્તારમાં ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરીને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યા છે. ઉપરાંત 120થી વધુ બાળકોને બાળમજૂરી તરફ ધકેલાતા અટકાવી તેમને શિક્ષણની તક પૂરી પાડવામાં આવી છે. હાલમાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર છાત્રાલય, અંબાજી ખાતે 105 બાળકો નિવાસ સાથે શિક્ષણ મેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે.
શ્રી શક્તિ સેવા કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એવી જાગૃતિ લાવવાનો છે કે દરેક બાળકને શિક્ષણ, સુરક્ષા અને સન્માનપૂર્ણ જીવનનો અધિકાર મળે અને કોઈપણ બાળકને ભિક્ષાવૃત્તિ કે બાળમજૂરી તરફ ધકેલવામાં ન આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ