
નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.)। ભારતીય એથ્લેટિક્સ મહાસંઘ (એએફઆઈ), 20 જૂને નવી દિલ્હીમાં પ્રથમ વખત ઇન્ડિયન એથ્લેટિક એવોર્ડ્સ 2026નું આયોજન કરશે. આ પહેલનો ઉદ્દેશ ભારતીય એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ તેમજ રમતના વિકાસમાં યોગદાન આપનાર તમામ મહત્વપૂર્ણ હિતધારકોને સન્માનિત કરવાનો છે.
આ પુરસ્કાર સમારોહ ભારતીય એથ્લેટિક્સની સિદ્ધિઓની ઉજવણીરૂપ બનશે, જેમાં વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓ, કોચ, ટેકનિકલ અધિકારીઓ, માર્ગદર્શકો, રાજ્ય સંઘો, પ્રાયોજકો અને રમતને આગળ વધારનાર અન્ય સહયોગીઓને સન્માનિત કરવામાં આવશે.
આ સમારોહમાં દેશના અનેક અગ્રણી વર્તમાન અને ભૂતપૂર્વ એથ્લીટ્સ સામેલ થાય તેવી સંભાવના છે. માનવામાં આવે છે કે આ કાર્યક્રમ ભારતીય એથ્લેટિક્સ સમુદાય માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે અને ઉભરતા ખેલાડીઓના મનોબળને મજબૂત બનાવશે.
આ પ્રસંગે કુલ 10 શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવશે, જેમાં લાઇફટાઇમ અચીવમેન્ટ, શ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડી, શ્રેષ્ઠ કોચ, શ્રેષ્ઠ ટેકનિકલ અધિકારી, શ્રેષ્ઠ રાજ્ય સંઘ અને એથ્લેટિક્સને પ્રોત્સાહન આપનાર રાજ્યનો સમાવેશ થાય છે.
એએફઆઈના અધ્યક્ષ બહાદુર સિંહ સાગૂએ ગુરુવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય એથ્લેટિક્સે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને આ પુરસ્કારો માત્ર ચંદ્રક વિજેતાઓ માટે જ નહીં, પરંતુ પડદા પાછળ રહીને રમતને મજબૂત બનાવનારા તમામ લોકો માટે છે.
એએફઆઈની વરિષ્ઠ ઉપાધ્યક્ષ અંજુ બોબી જ્યોર્જે જણાવ્યું હતું કે આ સમારોહ ભારતીય એથ્લેટિક્સ સાથે જોડાયેલા દરેક સ્તરના સમર્પણ અને સંઘર્ષને સન્માન આપવાનું માધ્યમ બનશે.
જ્યારે નીરજ ચોપરાએ જણાવ્યું હતું કે આવા સન્માનો યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવા અને સમગ્ર રમતગમત વ્યવસ્થાને પ્રેરણા આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
અપાતા મુખ્ય પુરસ્કારો:
• વર્ષ 2025નો શ્રેષ્ઠ પુરુષ એથ્લીટ
• વર્ષ 2025ની શ્રેષ્ઠ મહિલા એથ્લીટ
• વર્ષ 2025નો શ્રેષ્ઠ કોચ
• લાઇફટાઇમ અચીવમેન્ટ એથ્લેટિક્સ એવોર્ડ (3 સન્માન)
• વર્ષ 2025નો શ્રેષ્ઠ રાજ્ય સંઘ
• વર્ષ 2025નો શ્રેષ્ઠ ટેકનિકલ અધિકારી
• એથ્લેટિક્સને સૌથી વધુ સમર્થન આપનાર રાજ્ય
• એથ્લેટિક્સને સમર્થન આપનાર સંસ્થા
• એથ્લેટિક્સ સહયોગી ભાગીદાર
---
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ